આદિવાસી સમુદાયે શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે: નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા

ગુજરાત એલર્ટ | ખેરગામ
સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની મુખ્ય હરોળમાં આવી શકે તે હેતુથી યુનો (UNO) દ્વારા ઘોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની આજે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજે તા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના ઘારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા વિશેષ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો અને સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનોએ મારી માટી મારા દેશ અભિયાનની પ્રતિજ્ઞા તથા સેલ્ફી લઈને કરવામાં આવી હતી.

આ અવસરે નાયબ દંડકએ સમસ્ત આદિવાસી સમાજને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવાથી અંબાજીથી લઈને ઉમરગામ સુધીનાં આદિવાસી બાંધવોનો વિકાસ થયો છે. જે અંતર્ગત આદિવાસી સમુદાયે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે.સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ જેવી મહત્વની યોજના અમલમાં મૂકી છે. આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.

આ પ્રસંગે દંડકએ ઉમેર્યું હતું કે નવસારી નગરમાં આજે આદિવાસી સમાજના ભગવાન સમા બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જે મારા માટે ગર્વની બાબત છે. આજના દિવસે રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત, ગુણસદા તાપીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી સમાજને આદિવાસી દિવસની શુભકામનાઓ આપી હતી. જેનું સ્થાનિક લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ અહિરે હાજર સૌ આદિવાસી ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી. સૌને સમાન તકો અને સૌને સમાન દરજ્જો એ સરકારનું મુખ્ય ધ્યેય છે એ દ્રોપદી મૂર્મુજીની સિદ્ધિ પરથી પ્રમાણિત થાય છે તેમ જણાવ્યું હતું .
આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે જણાવ્યું ગુજરાત સરકાર આદિવાસી સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના આદિવાસી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.
આ પ્રસંગે દંડક તથા મહાનુભાવોના હસ્તે નવસારી જીલાના આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો/ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .
કાર્યક્રમના પ્રારંભમાં ઘેરૈયા નૃત્ય, તુર નૃત્ય દ્વારા આદિવાસીની સાંકૃતિક ઝલક રજૂ થઈ હતી સાથે વનબંધુ કલ્યાણ યોજનાની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી વિકાસના કામોથી લોકોને માહિતગાર કરાયા હતા.
આ અવસરે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, શીતલબેન સોની, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, અમિતકુમાર ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઇ, ખેરગામ તાલુકવિકાસ અધિકારી વિમલ પટેલ, ખેરગામ ભાજપના પ્રમુખ ચુનિભાઈ પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, લિતેશ ગામીત, પ્રશાંતભાઈ પટેલ સહિતના આગેવાનો અને તાલુકા જિલ્લાના અધિકારીઓ, સરપંચો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!