ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખેરગામ રોડ નવીનીકરણનું કામ વનવિભાગએ બંધ કરાવતા સરપંચોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે કલવાડા ખાતે ભાવિ રણનીતિ નક્કી કરવા માટે એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં રોડનું કામ શરૂ ન થાય તો આગળનાં કાર્યક્રમોનું એલાન કરવામાં આવશે.
8 વર્ષ બાદ નવીનીકરણ થઈ રહેલો વલસાડ ખેરગામ રોડનું કામ વલસાડ સામાજિક વનીકરણ વિભાગે ફોરેસ્ટ ક્લિયરન્સ મળ્યું ન હોવાનું જણાવી અટકાવી દીધો હતો. સામે ચોમાસે ડિઝાસ્ટરની પરિસ્થિતિ સર્જાય એમ હોય 35 ગામના સરપંચોએ એક અઠવાડિયામાં રોડનું કામ શરૂ ન થાય તો નેશનલ હાઇવે નં. 48 પર ચક્કાજામ કરવાનું અલ્ટીમેટમ વલસાડ કલેકટરને આપી દીધું છે. આ અલ્ટીમેટમ બાદ વલસાડ માર્ગ મકાન વિભાગએ વન વિભાગ પાસે હંગામી મંજૂરી માંગી છે. પરંતુ કામ શરૂ થયું નથી. જેથી વલસાડ અને ખેરગામ તાલુકાના આ રોડ પરથી પસાર થતા હજારો લોકોમાં ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે. જે અનુસંધાને વલસાડ ખેરગામની મધ્યે આવેલાં કલવાડા ચાર રસ્તા ખાતે રવિવાર તા. 07.05.23 ના રોજ સવારે 10:00 કલાકે આગામી રણનીતિ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચો, માજી સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ મિટિંગ અંગે સેગવા ગામના સામાજીક આગેવાન અને ચક્કાજામનું એલાન કરનારાં અરજદાર બાબુભાઈ માહયાવંશીએ જણાવ્યું હતું કે આ મિટિંગમાં રસ્તાનું કામ ચાલુ ન થાય તો શું કરવું તેની ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. અને તેની જાહેરાત પણ કરવામાં આવશે. તેમણે આ રોડ પરથી અવરજવર કરી દુઃખી થઈ રહેલાં અસરગ્રસ્ત લોકોને પણ મિટિંગમાં હાજર રહેવા અપીલ કરી છે.