ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા જાહેર જનતા માટે પેથોલોજી લેબ અને મોબાઇલ દવાખાનાનો રોટરી ડાયગ્નોસીસ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટ રૂ. 60 લાખના ખર્ચે થઇ રહ્યો છે. જેના લાભાર્થે રોટરી વલસાડ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટ 1 અને 2 એપ્રિલ શનિવાર અને રવિવારના રોજ વલસાડ બીડીસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે.
આ સંદર્ભે માહિતી આપતા પ્રોજેક્ટ ચેરમેન એડવોકેટ ચેતન પટેલએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટની દરેક મેચમાં મેન ઓફ ધ મેચ ટ્રોફી આપવામાં આવશે. સિરીઝના બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ બોલરને રૂ. 5 હજારના ઇનામો તથા ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝને રૂ. 11 હજારના ઇનામ તથા ટ્રોફી તેમજ ફાઇનલ મેચ જીતનારને રૂ. 1.27 લાખના ઇનામ તથા ટ્રોફી મળશે. સાથે રનર્સઅપને રૂ. 75 હજારના ઇનામ તથા ટ્રોફી મળશે. આ ટુર્નામેન્ટ રોટરી ક્લબ ઓફ બલસારના ટ્રસ્ટીઓ ડો. પીડીજી ડો.નિલાક્ષ મુફ્તી, પીડીજી અનિષ શાહ અને જીજ્ઞેશ વસાણીના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે. જેના આયોજનમાં પ્રોજેક્ટ કો. ચેરમેન, ધર્મિન દેસાઇ, હિતેશ પટેલ, રોટરી પ્રેસિડન્ટ સ્વાતી શાહ અને સેક્રેટરી નિરાલી ગજ્જર મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુદી જુદી જગ્યાઓએ મોજશોખ માટે ક્રિકેટનું આયોજન થતું હોય છે ત્યારે આ ક્લબ દ્વારા ખૂબ જ મોટા સત્કાર્યનાં ધ્યેય સાથે ક્રિકેટનું આયોજન કર્યું હોય લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યું છે. રોટરી ક્લબ ઓફ વલસાડ અવારનવાર વિવિધ રીતે સમાજને મદદરૂપ થવા નોંધનીય કામગીરી કરતું જ રહે છે.