ગુજરાત એલર્ટ | વલસાડ
તા. 26/03/2023 ને રવિવારના રોજ વલસાડ જિલ્લાની સ્વાસ્થ્ય માટે જાગૃતતા પ્રસરાવતી ટીમ વલસાડ રેસર્સ ગૃપ દ્વારા પારનેરા પરિક્રમા યોજવામાં આવી હતી. જેમાં 600 થી વધુ સ્વાસ્થ્યપ્રેમી ભક્તો જોડાયાં હતાં.
એક માસ અગાઉથી ઓનલાઇન રજીસ્ટ્રેશન નોંધી સમગ્ર જિલ્લા તેમજ બાહ્ય જિલ્લાઓમાંથી છસો જેટલા સભ્યો નોંધાયા બાદ આજે સવારે 6:30 કલાકે 7 કિમીની પારનેરા ડુંગરની પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. માતાજીના જયકાર સાથે સુકાની ડો. સંજીવ દેસાઈએ વન્ય સંપતિને નુકશાન ન થાય તેમજ પ્લાસ્ટિકનો કચરો ના ફેંકાય એની તકેદારી રાખવા સૂચના આપી હતી.
આ પરિક્રમામાં મેડિકલ સહાય માટે લોટસ હોસ્પિટલની ટીમ એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડી હતી. કેટલાંક સજ્જન સભ્યોએ ઘરેથી લાવેલું ચણ મોર તેમજ અન્ય પક્ષીઓ માટે જંગલમાં છુટ્ટા હાથે વેર્યું હતું. આ ઉપરાંત ટીમ વીઆરજી સંચાલિત નેચર ફોટોગ્રાફી કોંટેસ્ટ માટે સભ્યો જ્યાને ત્યાં પ્રકૃતિને મોબાઈલમાં કે કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પરિક્રમા કરનારાઓ માટે એનર્જી ડ્રીંક, પાણી, ચા, કોફી , બિસ્કીટ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ગો ગ્રીન ઇન્ડિયા અને પારનેરા યુવક મંડળના સભ્યોએ સ્વયંસેવકો તરીકે સેવા આપી હતી. આ સભ્યો દર રવિવારે પાણીના ડબ્બા ભરી આ પારનેરા ગઢને હરિયાળો રાખવા સતત પ્રયત્નશીલ રહે છે .
વલસાડ રેસર્સ ગૃપ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કાપડની થેલી આજની પ્રવૃત્તિના સ્મૃતિભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ચૈત્ર માસમાં નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ભક્તિમય આરાધના સાથે સ્વાસ્થ્ય સભર પ્રવૃત્તિ કરી વીઆરજીને લોકોએ અભિનંદન આપ્યા હતાં.