વલસાડની યુવતિએ રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય ફલક પર ગોલ્ડ મેડલ મેળવ્યો

ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગ અને ઈન્ડિયન પેરા શૂટિંગ ટીમના રાઈફલ કોચ જીવન રાય પાસે તાલીમ લઈ સફળતા મેળવી

ગુજરાત એલર્ટ | વલસાડ
બાળકોના શિક્ષણ માટે સામાન્યપણે માતા-પિતામાં ખાનગી સ્કૂલનો મોહ વધુ જોવા મળે છે. પરંતુ વલસાડ શહેરના શિક્ષિત દંપતીએ પોતાની દીકરીને સરકારી સ્કૂલમાં શિક્ષણ માટે મુકી હતી અને આ દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. સરકારી શાળાથી શરૂ થયેલી સફરમાં ખેલ મહાકુંભ નિર્ણાયક સાબિત થતા વલસાડની દીકરીએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દિલ્હીમાં રમાયેલી રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી વલસાડનું નામ ગુજરાત અને દેશભરમાં ઝળહળતુ કર્યું છે.

વલસાડ શહેરમાં મિશન કોલોની પાછળ સત્યમ સોસાયટીમાં રહેતા જિજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ પટેલની દીકરી સચિ પટેલે સરકારી શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ બી.કે.એમ. સાયન્સ કોલેજમાં બીએસસીની ડિગ્રી માટે એડમિશન મેળવ્યું હતું. આ દરમિયાન દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી એનસીસીમાં જોડાઈ હતી. જેમાં રાઈફલ શૂંટિગ, મેપ રીડીંગ અને ઓપ્સ્ટીકલ ટ્રેનિંગ મેળવી હતી. જેમાં રાઈફલ શૂટીંગમાં સૌથી વધુ રસ પડતા વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. સચિએ બીએસસી પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એલ.જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં એમબીએમાં એડમિશન મેળવી અભ્યાસની સાથે સાથે અમદાવાદની રાઈફલ કલબમાં ટ્રેનિંગ પુરી કરી હતી. ત્યારબાદ પ્રોફેશનલ કોચિંગ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર માન્ય સંસ્કારધામ શૂટીંગ એકેડમી, અમદાવાદમાં એડમિશન મેળવ્યું હતું. જ્યાં ઈન્ડિયન પેરા શૂટીંગ ટીમના રાઈફલ કોચ જીવન રાય અને વર્ષ ૨૦૧૨માં લંડનમાં રમાયેલી સમર ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગ પાસે તાલીમ મેળવી માત્ર દોઢ વર્ષના સમય ગાળામાં સચિએ ૬ ડિસ્ટ્રીક્ટ લેવલ, ૧ સ્ટેટ લેવલ, ૧ મહાકુંભ, ૧ પ્રિ નેશનલ લેવલ અને ૩ નેશનલ લેવલની કોમ્પિટીશનમાં ભાગ લઈ વિજેતા થઈ હતી. જેમાં ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૨માં અમદાવાદ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની કોમ્પિટીશનમાં વ્યક્તિગત અને ટીમ ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

હાલ ન્યૂ દિલ્હી ખાતે તા. ૧ થી ૭ માર્ચ ૨૦૨૩ દરમિયાન નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન ચેમ્પિયનશીપ ૨૦૨૩માં રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં વલસાડની સચી પટેલે ટીમ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાત અને દેશમાં વલસાડનું ગૌરવ વધાર્યું છે. હવે ઓલિમ્પિક્સમાં જવા માટે હાલમાં ૧૭૭ કેલીબરની વોલ્ટર એનાટોમિક એલજી ૪૦૦થી ૧૦ મીટર ડિસ્ટન્સ શૂટીંગ રેન્જમાં પ્રેકટીસ કરી રહી છે. રમત ગમતની અત્યાર સુધીની યાત્રામાં ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખૂબ જ મદદરૂપ રહ્યો હતો.

સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતોઃ સચિ પટેલ

રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર સચિ પટેલે જણાવ્યું કે, નેશનલ લેવલની આ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે રોજના ૪ કલાકની પ્રેકટીસ કરી હતી. આ દરમિયાન ફિઝિકલ વર્કઆઉટ અને મેડિટેશન ઉપર પણ ભાર મુક્યો હતો. નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવવા માટે પ્રેકટીસ દરમિયાન વિચલિત ન થવાય તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કર્યો હતો. હવે ઓલિમ્પિક્સમાં રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં આપણા દેશનો તિરંગો સૌથી ઉપર લહેરાય તે માટે ભરપૂર આત્મવિશ્વાસ અને હિંમત સાથે પ્રેકટીસ કરી રહી છું.

વલસાડમાં પ્રેક્ટીસ માટે સુવિધા ન હોવાથી અમદાવાદમાં તાલીમ અપાવીઃ માતા પિતા

ચીખલીમાં એલઆઈસી ઓફિસમાં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સચિના પિતા જિજ્ઞેશભાઈ અને માતા દિપ્તીબેને જણાવ્યું કે, વલસાડ જેવા નાના ટાઉનમાં રાઈફલ શૂટીંગની પ્રેક્ટીસ માટે પુરતી સુવિધા ન હોવાથી રાઈફલ શૂટિંગની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય આપી અમદાવાદ મોકલી હતી. જેના ફળસ્વરૂપે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ સચી હાલમાં અમદાવાદ ખાતે પીએચડીના અભ્યાસ સાથે રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. એનસીસીમાં તાપ-તડકામાં સતત પ્રેકટીસ કરવી પડતી અને અન્ય રાજ્યોમાં પણ સ્પર્ધા થાય ત્યારે સતત તેની સાથે જવુ પડતું હતું. તેની ઈચ્છા મુજબ તેને પુરેપુરો સપોર્ટ આપતા આ સિધ્ધિ મેળવવામાં સફળતા મેળવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!