વલસાડ
મહિલાઓના સ્વાસ્થ્ય અને રોજગારીની ચિંતા કરતા ધ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વલસાડ તાલુકાના ઉંટડી ગામે સેનેટરી પેડ બનાવવાના યુનિટનું ઉદ્ઘાટન દિલ્હીથી આવેલાં પીએનબી હાઉસીંગ ફાઇનાન્સ સીએસઆર મેનેજર અર્પિતા સામલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં મહિલાઓ માટે મહિલાઓ દ્વારા પેડનું ઉત્પાદન કરવામાં આવે છે.
આજે પણ આપણાં દેશમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં માસિકસ્રાવ સાથે રૂઢિચુસ્ત માન્યતાઓ જોડાયેલી છે. મહિલાઓને તેમનો સંકોચ દૂર કરવા અને તેમને સ્વસ્થ રાખવા માટે ઊંટડી ગામમાં શાંતાબેન વિદ્યાભવનમાં “આસાની” સેનેટરી નેપકિન બનાવવાનું બીજું યુનિટ શરૂ કરાયું છે. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી આસાની કાર્યક્રમ ચલાવે છે. અને ૩૦૦૦ થી વધુ બહેનો માટે રોજગારની તક ઉપલબ્ધ કરી છે. સંસ્થાએ અત્યાર સુધી ૫૦,૦૦,૦૦૦ સેનેટરી પેડનું ઉત્પાદન કર્યું છે. તથા ૫૦,૦૦૦ થી વધુ બહેનોને માસિકધર્મ વિશે જાગૃત કરી છે.
આ નવા ઉત્પાદન કેન્દ્રની શરૂઆત ધ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પી.એન.બી. હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ દ્વારા સંચાલિત પહેલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. આ નવા મશીનમાં દરરોજ 6000 જેટલા પેડનું ઉત્પાદન થાય છે. નવા પ્રોડક્શન યુનિટમાં હાલમાં 10 મહિલાઓને રોજગારી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે અગાઉથી અન્ય 10 મહિલાઓ રોજગારી મેળવી રહી છે. વિતરણ માટે પસંદ કરાયેલી મહિલા “સંગીનીઓ” નહિ નફો નહિ નુકશાનના ધોરણે આપવામાં આવેલાં દરેક પેકેટ ઉપર કમિશન પ્રાપ્ત કરી આવક મેળવશે. આર્થિક મદદ કરવા બદલ ધ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પી.એન.બી. હાઉસીંગ ફાઈનાન્સ સંચાલિત પહેલ ફાઉન્ડેશનનો આભાર માનવામાં આવ્યો હતો.