ઈઝરાયેલની જેમ પાણીનો સંપુર્ણ ઉપયોગ કરવાનાં પ્રયત્નો કરાશે: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૧૯-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩ અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૫.૪૬ લાખના ૫ કામો હાથ ધરવામાં આવશે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માં નર્મદાના ‘સરદાર સરોવર યોજના’ થકી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો હંમેશ માટે ઉકેલ આવ્યો છે. આપણો જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો છે ત્યારે વધારાના અને વેડફાય જતા પાણીનો સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી જળ સંચયના અનેકવિધ કામોના આયોજન થકી ભવિષ્ય માટે જળ સંચય કરવાનો એક પ્રયત્ન છે. આ ધ્યેય ત્યારે જ પુરૂ થશે જ્યારે આ સંચિત જળનો સંયમથી ઉપયોગ કરાશે. પાણી એ ભગવાનનો પ્રસાદ છે એને વેડફાતું અટકાવવું જોઈએ. સિંચાઈમાં ડિપઈરીગેશન દ્વારા પણ પાણીની બચત થઈ શકે છે જેના માટે સરકાર પ્રયત્નશીલ છે. ઈઝરાયેલની જેમ પાણીનો સંપુર્ણ ઉપયોગ કરી ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરવા જરૂરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સંકલ્પ કર્યો છે કે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવા તેમજ અત્યાર સુધી પર્યાવરણના રક્ષણ માટે ૭૫ જેટલા નમો વડના વનો પણ તૈયાર થઈ ચૂક્યા છે.
સુજલામ સુફલામ યોજના હેઠળ વલસાડના દરેક તાલુકાઓમાં તળાવો ઊંડા કરવાના, નવા ચેકડેમ અને તળાવ બનાવવાની, ચેકડેમ ડિસીલ્ટિંગ, ચેકડેમ રીપેરીંગ, જળાશય ડિસીલ્ટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, નહેરોની અને નદી/વોંકળાની સાફસફાઈ, માટીપાળા, ગેબિયન, ચેકવોલ, ખેત તલાવડી, પીવાના પાણીની લાઇનો, વન તલાવડી, નદી કાંઠે વૃક્ષારોપણ, વેસ્ટ વિયર રીપેરીંગ, વગેરે કામો કરવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ ડૉ. કે .સી.પટેલ અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, પારડી પ્રાંત ડી. જે. વસાવા, દમણગંગા યોજના વિભાગ વલસાડના કાર્યપાલક ઇજનેર એમ. એમ.ગાંવિત, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ અને પારડી મામલતદાર આર.આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!