વલસાડ ખેરગામ રોડનાં નવિનીકરણને વનવિભાગનું ગ્રહણ

વનવિભાગની આડોડાઈને કારણે રસ્તાનું કામ બંધ થઈ જતા વલસાડ અને ધરમપુરના ધારાસભ્યએ આજરોજ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલનની મિટિંગમાં રજૂઆતો કરી.

વલસાડ

રૂ. 18.20 કરોડના ખર્ચે નિર્માણાધિન વલસાડ ખેરગામ રોડને વનવિભાગનું ગ્રહણ નડ્યું છે. વનવિભાગ છેલ્લા સાત મહિનાથી નડતરરૂપ ઝાડ કાપવાની પરમિશન ન આપતા રસ્તાનું કામ બંધ થઈ જતા આજરોજ વલસાડ અને ધરમપુરના ધારાસભ્યએ સંકલન સમિતિની મિટિંગમાં ભારે રજૂઆતો કરી હતી.

છેલ્લા આઠેક વર્ષથી વલસાડ ખેરગામ રોડ રાજ્ય ધોરીમાર્ગ નવો ન બનતા વર્ષો સુધી ખેરગામ વિભાગની પ્રજાએ હાલાકી ભોગવવી પડી છે. રાજ્ય સરકારમાં દરખાસ્ત કરાતા રોડ પહોળો કરવા માટે રૂ. 18.20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી. જે બાદ દિવાળીથી કામ એજન્સી દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં આવતાં લગભગ 15 કિલોમીટરના 7 મીટર પહોળા આ માર્ગને 10 મીટર પહોળો કરાઈ રહ્યો છે. જ્યારે વલસાડથી છીપવાડ ગરનાળાથી ઘડોઈ ફાટક સુધી ડિવાઇડર સાથે ફોરલેનનો કરાઈ રહ્યો છે. રોડ પહોળો થતા લોકોને વર્ષો બાદ ટકાટક રોડની સુવિધા મળે એમ છે. પરંતુ તેમાં ઝાડનું ગ્રહણ નડ્યું છે. વલસાડ ખેરગામ રોડને પહોળો કરવામાં અનેક ઝાડો નડી રહ્યા હોય વલસાડ માર્ગ અને મકાન વિભાગએ ગત જુન 2022 માં વન વિભાગમાં નડતરરૂપ જાડો દૂર કરવા માટે દરખાસ્ત કરી હતી. જેનો આજ સુધી નિવેડો ન આવતા છેલ્લા દસેક દિવસથી રસ્તાના નવીનીકરણનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

છ છ મહિનાથી વનવિભાગ દ્વારા પરમિશન ન મળે તે કેવી રીતે ચાલે?: ધારાસભ્ય ભરતભાઈ પટેલ

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આજરોજ યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો બરાબરનો ગાજ્યો હતો. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે છ છ મહિનાથી વિકાસના કામમાં વન વિભાગ દ્વારા પરમિશન ન મળે તે કેવી રીતે ચાલે? એવા સવાલો ઉઠાવાયા હતા. તાત્કાલિક રસ્તાનું કામ શરૂ થાય તે માટે હકારાત્મક કાર્યવાહી કરવા વલસાડ જિલ્લા કલેકટરે પણ કહ્યું હતું. આ ઉપરાંત ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ ચોમાસા પહેલા રસ્તાનું નવીનીકરણ થઈ જાય તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

વૃક્ષોનો સર્વે પણ થઈ ગયો છે પરંતુ મંજૂરી અપાતી નથી: એન.એન.પટેલ

વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એન. પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે વનવિભાગને રસ્તામાં નડતરરૂપ ઝાડો દૂર કરવા માટે દરખાસ્ત કર્યા બાદ સર્વે થઈ ગયો છે ઝાડના નંબરો પણ પડી ગયા છે. મોટેભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં મંજૂરી ન મળતાં રસ્તાનું કામ અટક્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!