વલસાડ
વલસાડ તાલુકાના બોદલાઇ ગામના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા જયેશ રમણભાઇ પટેલે અમેરિકામાં ક્રિકેટની રમતમાં પ્રાણ ફૂંકવા અને ભારતીય અમેરિકોને ક્રિકેટની સુવિધા આપવા પરમવીર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કર્યું છે. જેમાં નેટ પ્રેક્ટિસથી લઇ આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ રમી શકાય એવા 5 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યા છે. જેના કારણે તેઓ અમેરિકામાં ક્રિકેટના ભિષ્મપિતા મનાઇ રહ્યા છે.
વલસાડના ખેડૂતપુત્ર જયેશભાઇ પટેલ અમેરિકામાં સ્થાયી થઇ બિઝનેશમેન બન્યા હતા. જેમણે જ્યોર્જિયા સ્ટેટના બારટોવ કંન્ટ્રીના રિડેલમાં 40 એકરની વિશાળ જગ્યા ખરીદી 6 ક્રિકેટ ગ્રાઉન્ડવાળું પરમવીર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કર્યું છે. અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ નથી. પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો ક્રિકેટના રસને જાળવી રહ્યા છે. જોકે, તેમને ક્રિકેટ માટે પુરતી સુવિધા મળતી નથી. જેના કારણે ત્યાં ક્રિકેટની રમત આગળ આવી શકી નથી. ત્યારે અમેરિકામાં ક્રિકેટની રમતને આગળ લાવવા વલસાડના જયેશ પટેલે બીડું ઝડપ્યું અને લાખો ડોલરના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ શરૂ કરી રહ્યા છે.
એટલાન્ટા ક્રિકેટ કોન્ફરન્સના પ્રમુખ રહી ચૂકેલા જયેશભાઇને ક્રિકેટનું ઉંડું જ્ઞાન છે. જેના કારણે તેમણે અનેક આંતરરાષ્ટ્રીય સુવિધા સાથે ક્રિકેટ મેદાન તૈયાર કર્યા છે. જેને જોવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલ પણ જઇ રહ્યા છે. ત્યારે આ સુવિધા સભર પરમવીર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ રમાઇ શકે છે. તેમજ અમેરિકાની ટીમ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ આવે તો નવાઇ નહી.
સુનિલ ગાવસ્કર, ક્રિશ ગેઇલ જેવા ક્રિકેટરો પાસેથી કોમ્પલેક્ષ તૈયાર કરાવ્યું
બોદલાઇના જયેશ રમણભાઇ પટેલે પરમવીર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરાવવા માટે સુનિલ ગાવસ્કર, ક્રિશ ગેઇલ, ડેરેન બ્રેવો જેવા આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ક્રિકેટરોનું માર્ગદર્શન લઇ આખું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કર્યું છે. કોમ્પલેક્ષમાં ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ભારતના મોટા મોટા સ્ટેડિયમની પીચ બનાવનાર ધીરજ પલસાણાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઇન્ડિઝના જાણીતા પીચ ક્યુરેટર સેમ્યુઅલ પ્લમ્બર દ્વારા તૈયાર કરાવી છે. તેમના ઉદ્ઘાટન સમારંભમાં પણ અનેક દિગ્ગજ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા.
પુત્રના જુસ્સાથી સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા પ્રેરાયા
જયેશ પટેલનો 24 વર્ષિય પુત્ર પરમનો જન્મ અને ઉછેર અમેરિકામાં જ થયો. પરમ હાઇસ્કૂલમાં બેઇઝબોલ રમતો હતો, પરંતુ પિતા જયેશભાઇની જેમ ક્રિકેટનો શોખ તેને શરૂઆતથી જ હતો. બેઇઝબોલ બાદ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ અને તેમાં આગળ આવતો ગયો. જેનાથી જયેશભાઇને આ કોમ્પલેક્ષ બનાવવાની પ્રેરણા મળી હતી.