વલસાડ
ધરમપુર અને કપરાડા તાલુકામાં બોગસ ડોકટરોના અહેવાલ પ્રકાશિત કરનાર પત્રકારને હનુમતમાળ ગામના સરપંચના નામે ધમકી આપનાર વ્યક્તિ સામે પત્રકારે આજે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અરજી કરી કાયદેસર કાર્યવાહીની માગ કરી છે.
મળતી વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં બોગસ ડોકટરોની જામી રહેલી હાટડીઓ બાબતે અખબારે અહેવાલ પ્રકાશિત કરતા વલસાડ ડીડીઓએ તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગ પોલીસ સાથે રાખી ધરમપુરના હનુમતમાળ ગામેથી કુંદન પાટીલ નામક એક બોગસ ડોકટરને ઝડપી પાડ્યો હતો. જે બાબતે પણ અખબારે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અહેવાલ પ્રકાશિત થયા બાદ હનુમતમાળ ગામના કહેવાતા સરપંચે મોબાઈલ નંબર( 9537649306)થી પત્રકારને મોબાઈલ પર ફોન કરી અભદ્ર ભાષામાં ગાળો આપી હતી. અને હવે પછી બોગસ ડોકટરો બાબતે અખબારમાં છાપસે તો તારા હાથપગ ભાંગી નાખીશ તેમ કહ્યું હતું. મારા ગામમા બોગસ ડોકટર છે તો તારે શું લેવા દેવા છે વગેરે અભદ્ર ભાષામાં ધમકાવી લોકશાહીના ચોથા સ્તંભ પર પ્રહાર કર્યો હતો. જે બાબતે આજે પત્રકારે ધરમપુર પોલીસ મથકે અરજી ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહીની માગ કરી છે.