છેલ્લા 3 દિવસથી વલસાડમાં મિલકત દસ્તાવેજની કામગીરી ઠપ

અબ્રામા ઓવરબ્રિજની ચાલતી કામગીરીમાં bsnl ની બ્રોડબેન્ડ લાઈન કપાઈ જતા ત્રણ દિવસથી મામલતદાર કચેરીની તમામ ઓનલાઈન કામગીરી ઠપ થઈ તો સબરજીસ્ટ્રાર કચેરીમાં 100 થી વધુ દસ્તાવેજો પેન્ડિંગ થઈ ગયા.

વલસાડ
અબ્રામા ઓવરબ્રિજના ચાલી રહેલા કામમાં બીએસએનએલની બ્રોડબેન્ડ લાઈન કપાઈ જતા છેલ્લા ત્રણ દિવસથી વલસાડ સબરજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ ઠપ થઈ ગયા છે. તો સાથે જ મામલતદાર કચેરીના કામો પણ અટકી જતા લોકોને ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. વલસાડમાં હાલ અબ્રામા રેલવે ઓવરબ્રિજનું કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રીજના કામમાં ખાડા ખોદવાની કામગીરીમાં ગત ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસથી બીએસએનએલની બ્રોડબેન્ડની લાઈનો કપાઈ જતા મામલતદાર કચેરી, સબરજીસ્ટ્રાર કચેરી સહિતની કચેરીઓમાં ઇન્ટરનેટ બંધ થઈ જતા જીસ્વાનનું સોફ્ટવેર બંધ થઈ ગયું છે. પરિણામે મામલતદાર કચેરીમાં જમીનની ઓનલાઇન એન્ટ્રીઓ, ઓનલાઇન અભિપ્રાય સહિત કામગીરી ઠપ થઈ ગઈ છે. છેલ્લા છેલ્લા ત્રણ દિવસથી કામગીરી ઠપ થઈ જતા અનેક લોકો અટવાઈ રહ્યા છે. જમીનોના દસ્તાવેજ કરાવવામાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની હોય ગુરુવારથી એપોઇન્ટમેન્ટ લઈને દસ્તાવેજ કરાવવા માટે આવી ગયેલા લોકો દસ્તાવેજ કર્યા વિના જ પરત થવું પડ્યું છે. ઘણા લોકોના લોનના એગ્રીમેન્ટો પણ થઈ શક્યા નથી. અનેક લોકો દસ્તાવેજ માટે દૂર દૂરથી આવી ગયા બાદ તેમણે ધક્કો ખાવો પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 100 થી વધુ દસ્તાવેજો પેન્ડિંગ થઈ ગયા છે. જો સોમવારે પણ કનેક્શન ચાલુ ન થાય તો પેન્ડિંગ દસ્તાવેજોની યાદી લંબાતી જઈ શકે છે.

આશરે 100 દસ્તાવેજો પેન્ડિંગ થઈ ગયા છે: નોંધણી નિરીક્ષક દિવ્યેશભાઈ પટેલ

વલસાડના નોંધણી નિરીક્ષક દિવ્યેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ગુરુવારથી કનેક્ટિવિટી બંધ થઈ જતા લગભગ 100 દસ્તાવેજો પાછળ ઠેલાયા છે. આજે સાંજ સુધીમાં પણ કનેક્ટિવિટી સ્ટાર્ટ ન થતા હવે સમગ્ર મદાર સોમવાર પર રહેલો છે. કનેક્શન ચાલુ થઈ જાય તો અમે દરરોજ રૂટીન દસ્તાવેજો તથા બાકી રહેલા દસ્તાવેજો મળી બે થી ત્રણ દિવસમાં તમામ પેન્ડિંગ દસ્તાવેજો પૂર્ણ કરી દઈશું. બંધ કનેક્ટિવિટી અંગે અમે બીએસએનએલમાં ફરિયાદ કરી છે.

બીએસએનએલના અધિકારીને તાત્કાલિક કનેક્ટિવિટી ચાલુ કરવા કહ્યું છે: એડિશનલ કલેકટર અનસુયા ઝા

વલસાડના અધિક કલેકટર અનસુયા ઝાના જણાવ્યા મુજબ તેઓને કનેક્ટિવિટી બંધ થઈ હોવાની આજે જ જાણ થઇ છે. તેમણે તાત્કાલિક એક્શન બોર્ડમાં આવી બીએસએનએલના ઉચ્ચ અધિકારીને લોકોને તકલીફો પડતી હોય તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું છે. સંભવતઃ આજે રાત સુધીમાં નિરાકરણ લાવવાની બીએસએનએલના અધિકારી દ્વારા ખાતરી અપાઇ છે.

લાઈન ખોદીને શોધવા પડતી હોય ખૂબ સમય જાય છે: બીએસએનએલ એજીએમ સંજયભાઈ પટેલ

બીએસએનએલ ફાઇબરના એજીએમ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે તૂટેલી લાઈન અમે રિપેર કરી હતી. પરંતુ ચાલુ થાય તે પહેલા જ ફરીથી બીજી લાઈન તૂટી ગઈ હતી. જે તૂટેલી લાઈન ખોદીને શોધવા પડતી હોય ખૂબ સમય જાય છે. પરંતુ હવે લાઇન મળી ગઈ છે. જેથી સોમવારે કચેરી ખુલે તે પહેલા બ્રોડબેન્ડ લાઈન શરૂ થઈ જશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!