ગુજરાત એલર્ટ-વલસાડ
વલસાડ શહેરમાં વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા આજરોજ તિથલ ખાતે યોજાયેલી મેરેથોનમાં વલસાડ જિલ્લા કલેકટર પણ દોડતા સ્પર્ધકોનો જુસ્સો બેવડાયો હતો. આ ઉપરાંત મતદાન જાગૃતિ માટે વલસાડ શહેરમાં યોજાયેલી સાયકલ મેરેથોનને કલેકટરે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
વલસાડ રેસર્સ ગ્રુપ વલસાડમાં દર વર્ષે મેરેથોનનું આયોજન થાય છે. આજરોજ વલસાડ તિથલ સ્થિત શાંતિ રિસોર્ટ પરથી 5 કિમી થી 42 કિમી સુધીની મેરેથોન યોજાઈ હતી. સ્પર્ધકોનો જુસ્સો વધારવા વલસાડ કલેકટર પણ મેરેથોન માં જોડાયા હતા તેઓએ પાંચ કિલોમીટરની મેરેથોન સફળતાપૂર્વક પાર કરી હતી.
આ મેરેથોનમાં સ્પર્ધકોનું રોયલ ક્રુઇઝર ગ્રુપ દ્વારા બુલેટ પર પાયલોટિંગ કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં વલસાડ સહિત જુદા જુદા રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
5, 10, 21 અને 42 કિલોમીટરમાં અનેક દોડવીરોએ ભાગ લઈ મેરેથોનને સફળ બનાવી હતી. વલસાડનાં ડો. કલ્પેશ જોશી, ડો. સંજીવ દેસાઈ, ડો, અજિત ટંડેલ, યતિન પટેલ, નિતેશ પટેલ, પ્રિતેશ પટેલ સહિતના રેસર્સ ગ્રુપના મેમ્બરોએ મેરેથોનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તે શુભ હેતુસર આજરોજ વલસાડ શહેરની કોમર્સ કોલેજ કેમ્પસથી 70 જેટલા સાયકલ સવારોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાયકલ મેરેથોનમાં જિલ્લાની કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકો, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, સ્વીપના નોડલ અને ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા જોડાયા હતા.
મતદારોમાં મતદાન જાગૃતિ માટે આ સાયકલ સવારો દ્વારા હુ વોટ કરીશ, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર અને લોભ-લાલચ વગર નિર્ભયતાથી મતદાન કરો જેવા પ્લે કાર્ડો સાથે સાયકલ સવારો શહેરના ભાગડાવડા-દાદીયા ફળિયાથી ધોબીતળાવ થઈ આઝાદચોક, સ્ટેડિયમ રોડ, બસ સ્ટેન્ડ, ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડથી પસાર થઈ અંતે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં આ મેરેથોન પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.