ખેરગામ,તા.3
ખેરગામ આહિર યુથ ફોર્સ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. વિઘ્નહર્તાને વિદાય આપવા 300 થી વધુ ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા.
ખેરગામ દશેરા ટેકરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર યુથ ફોર્સ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજી ની ભક્તિમાં દરરોજ ગણેશ વંદના સાથે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવતો હતો. આજરોજ સાતમને દિવસે બપોરે ગણપતિ દાદાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ખેરગામ આહીર સમાજના તથા અન્ય સમાજના ભાવિક ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા.
ખેરગામ દશેરા ટેકરીથી નાંધઈભૈરવી ચાર રસ્તા શ્રીજી ત્રિભેટે થઈ પરત દશેરા ટેકરીથી બહેજ ગામે શ્રી રૂપાદેવી માતાના મંદિરે વિસર્જન યાત્રા પહોંચી હતી. જે બાદ મંદિર આંગણે આવેલા તળાવમાં ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે “ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લૌકર્યા” ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન યાત્રામાં ક્યાંય પણ ગુલાલ કે કલરનો છંટકાવ ન કરી મંડળ દ્વારા સૌને સંદેશ આપવામાં આવ્યો હતો.