ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને આવેલા શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શનિવારે 24 કલાક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલના ખેરગામ બંધાડ ફળિયા સ્થિત ગંગોત્રી ફાર્મ નિવાસસ્થાને શ્રી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દર વર્ષે તેમના દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં 24 કલાક સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ગતરોજ 24 કલાક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે 8:30 કલાકે કળશ સ્થાપન કરાયા બાદ ભજન મંડળી દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે આજે સવારે 8:30 વાગ્યા સુધી નિરંતર ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં શનિવારે સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર, ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગમનભાઈ હુડકિયા, ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશ ખાંડાવાલા, ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન પટેલ, મહામંત્રી સુરજ પટેલ તથા આજુબાજુના ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. માજી જી. પં. સદસ્ય પ્રશાંતભાઈ ઇશ્વરભાઈ પટેલે ઉપસ્થિત રહેલાં સૌ મહાનુભાવો અને ભક્તોનો આભાર માન્યો હતો.