આજે સવારે વલસાડ વાસીઓ ઊંઘી રહ્યા હતાં. ત્યારે મળસ્કે 5 વાગ્યે જ એકબીજાના ફોન રણકવા માંડ્યા. જેનો ડર હતો એ જ ઘટના બનવા જઈ રહી હતી. ઔરંગા નદીના કૈલાસ રોડ પર આવેલાં બ્રિજ પાસે પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. જોતજોતામાં પાણી બ્રીજની ઉપર ચઢવા માંડ્યું હતું. આપણે ફિલ્મોમાં જોઈએ તેમ સંકટ આવવાનાં આગોતરા સંકેતો મળી ચૂક્યા હતાં. પાણી પોતાનો રસ્તો બદલવાની શક્યતાઓને કારણે સૌપ્રથમ ઔરંગા નદીના બાજુમાં રહેતાં લોકોએ પોતાની કાર બાઈકને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું. હજુ તો વાહનો મૂકીને આવે તે પહેલાં જ કૈલાસ રોડ પર 2 ફૂટ જેટલાં પાણી છીપવાડ તરફ વહેવા માંડ્યા.
આ વાત વાયુવેગે ફેલાતાં છીપવાડ વાસીઓના હોશ ઉડી ગયા. પરંતુ ગાંડીતૂર બનેલી નદીને કોઈ રોકી શકે એમ હતું નહિ. થોડો સમયમાં તો છિપવાડમાંથી ગરનાળામાંથી જ નદી વહેવા માંડી હોઈ એમ લાગ્યું. છીપવાડનું હનુમાનજી મંદિરના સ્લેબ સુધી પાણી પહોંચી ગયું. દાણાબજારમાં વેપારીઓનું અનાજ પલળવા માંડ્યું. ન જાણ્યું હતું જાનકીનાથે કે શું થવાનું છે. પાણીનો સ્તર સતત ઊંચે જઈ રહ્યો હતો. પાણીનો પ્રવાહ જે વચ્ચે આવે તેને ખેંચી લે જાય તેવો હતો.
અસરગ્રસ્ત પરિવારોએ ગમે તેમ કરી એકબીજાની મદદથી ઘરવખરીનો સામાન ઘરના પ્રથમ માળે કે ટેબલો, પલંગો ઉપર મૂકીને બચાવવાની કોશિશ કરવા માંડી હતી. લોકોના ચહેરા પડી ગયા હતા. માંડ માંડ ભેગુ કરનારા વ્યક્તિઓના ચહેરા ડર સાથે મુરઝાવા માંડ્યા હતા. કોઈને કલ્પના ન હતી કે પાછલા વર્ષો કરતા પણ ભયાનક પુર આજે આવી જશે.
અચાનક આવી પડેલી આફતને કારણે હિંગળાજ, ભદેલી, ભાગડાખુર્દ વગેરે ગામો બેટમાં ફેરવાઈ ગયા હતાં. અનેક ઠેકાણે લોકો પાણીની વચ્ચે ફસાઈ જવા માંડ્યા હતાં. હિંગરાજમાં પૂરના પ્રકોપે પાણી વચ્ચે ફસાયેલાં લોકો મદદ કરવાની રાહ જોઈ રહ્યા હતાં. જેની મદદ કરવાં દમણથી કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર આવી પહોંચ્યું હતું.
કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યુ કરી પાણીમાં ફસાઈ ગયેલા 5 વ્યક્તિઓને બચાવ્યા હતાં. એનડીઆરએફની ટીમે 2000 થી વધુ લોકોને પૂરના પાણીમાંથી બહાર લઈ આવી કાબિલે તારીફ કાર્ય કર્યું હતું. પૂરના પ્રકોપે આખરે વલસાડના તરીયાવાડના યુવાનનું મોત થયું હતું.
અગાઉ 2016 માં વલસાડમાં પુર આવ્યું હતું.
અગાઉ 2016 ની સાલમાં વલસાડ શહેરમાં ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. 6 વર્ષ બાદ આજે ફરી વલસાડવાસીઓએ ઔરંગા નદીનું બિહામણું સ્વરૂપ જોયું હતું. રેલથી પાયમાલ થયેલાં લોકોને તારાજીમાંથી બેઠાં થતાં ખાસ્સો સમય નીકળી જશે. પાણી ઓસરી ગયા બાદ કાદવ સહિતની સાફસફાઈ કરવામાં જ દિવસો નીકળી જશે.
કેટલા ઇંચ વરસાદે તબાહી મચાવી?
વલસાડ જિલ્લામાં ગઈકાલે રવિવારે સાંજે ચાર વાગ્યેથી સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી પુરા થતા 24 કલાક દરમિયાન કપરાડા 15 ઇંચ , ધરમપુર 15 ઇંચ, ઉમરગામ 5 ઇંચ , પારડી 5 ઇંચ , વલસાડ 6 ઇંચ , અને વાપી 9 ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગમાંથી જાણવા મળ્યું છે.