વલસાડના શ્રી પાર્ટી પ્લોટમાં ફાલ્ગુની પાઠકની ઉપસ્થિતિમાં યોજાનાર ગરબા મેગા કોમ્પિટિશનમાં પાર્ટી પ્લોટ, સાઉન્ડ સહિતના પૈસા નહીં અપાતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. દૂરદૂરથી આવેલા ખેલૈયાઓએ રિફંડની પરત માગણી કરતા ભારે બબાલ બાદ પોલીસે આવી રિફંડ કરાવવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
વલસાડના શ્રી પાર્ટી પ્લોટમાં આજરોજ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની ઉપસ્થિતિમાં ગરબા મેગા કોમ્પિટિશન યોજાયો હતો. જેમાં રાત્રે 8:15 વાગ્યે ફાલ્ગુની પાઠક પાર્ટી પ્લોટમાં આવી ચૂક્યા હતા. પરંતુ સાઉન્ડ સિસ્ટમ અને પાર્ટી પ્લોટના પૈસા નહીં મળતા તેમણે પૈસા મળ્યા પછી જ કાર્યક્રમ શરૂ કરવા દેવાની વાત કરતા મામલો ગૂંચવાયો હતો.
જે બાદ ફાલ્ગુની પાઠક પરિસ્થિતિ સમજી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ ખેલૈયાઓ અને વાલીઓએ પૈસા રિફંડ કરવા માટે હોબાળો મચાવતા વલસાડ રૂરલ પોલીસ પીએસઆઇ રાજદીપસિંહ વનારને જાણ કરાઇ હતી. પોલીસે આવી પરિસ્થિતિ સંભાળ્યા બાદ આયોજક રાજ જેકડીયા સ્ટેજ ઉપરથી ગરબા ના થવાની જાહેરાત કરી બધાની માફી માંગી હતી. તેમજ તમામ લોકોને ટિકિટનું રિફંડ આપવાની ખાતરી આપી હતી.