વલસાડ
સિમેન્ટ સ્ટીલ કંપનીઓ કાર્ટેલ રચીને ભાવ વધારો કરવાને કારણે વલસાડ જિલ્લામાં જે લોકો પોતાના પ્લોટ પર મકાન બનાવતા હતા, તેનું બજેટ અચાનક વધી જતાં ઘરોના બાંધકામ અટકી ગયા છે. કંપનીઓની મનમાનીને કારણે થઈ રહેલો ભાવ વધારો કંટ્રોલમાં ન આવે તો આજે નહીં તો કાલે બાંધકામ ઉદ્યોગ બંધ થઈ જશે એમ વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ મંગેએ જણાવ્યું હતું.
સિમેન્ટ સ્ટીલ સહિત બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા અન્ય મટીરીયલના ભાવવધારાને કારણે હવે વપરાશકર્તાઓને ઘર ખરીદવા મોંઘા પડી જશે. વલસાડ જિલ્લાના ૨૫૦ જેટલા બિલ્ડરોની સભ્ય સંખ્યા ધરાવતાં એસોસિએશનના સેક્રેટરી ચેતન ભાનુશાલીએ જણાવ્યું હતું કે ગુજરાત બાંધકામ વ્યવસાયના હેતુઓ સારૂ કાર્યરત ક્રેડાઈ ગુજરાતની બોર્ડ મીટીંગ ગત તા.૨૨-૦૩-૨૦૨૨ ને મંગળવારના રોજ પાલનપુર ખાતે મળેલ હતી. જેમાં ૪૦ સીટી ચેપ્ટરના અગ્રણીય બાંધકામ વ્યવસાયકારો સહિત એસોસીએશનોના સભ્યો ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં થયેલા ચર્ચામાં મુખ્ય મુદ્દા તરીકે ભાવ વધારાનો રહ્યો હતો . જેમાં ઉપરોક્ત વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને થાયQક ઠરાવવામાં આવેલ છે કે, સિમેન્ટ, સ્ટીલ, પ્લાયવુડ, ઈંટો, યુ પીવીસી પ્રોડકટ્સ, ગ્લાસ વિગેરે સહીત અન્ય તમામ રો મટીરિયલસના ભાવમાં ખૂબ જ ટૂંકા ગાળામાં અચાનક અને કોઈ પણ વ્યાજબી કારણો વગર આશરે ૩૦ થી ૧૦૦ ટકા સુધીનો ભાવ વધારો થયેલ છે. સામાન્ય રીતે સીમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકો દ્વારા કાર્ટેલ કરી કોઈ પણ વ્યાજબી કારણો વગર અવારનવાર ભાવ વધારો કરવામાં આવે છે જેને અનુલક્ષી ભૂતકાળમાં સીમેન્ટ કંપનીઓ ઉપર આકરી પેનલ્ટી પણ કરવામાં આવેલ છે. ગુજરાતાં સીમેન્ટ કંપનીઓ છેM પરંતુ ડેવલપરને રાજસ્થાનથી સીમેન્ટ ખરીદવો સસ્તો પડે છે. આવું કેમ થાય છે તે સમજાતું નથી . હાલ પણ સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી ભાવ વધારો કરવામાં આવેલ હોય તેવું પ્રાથમિક તબકકે જણાઈ રહેલ છે. તદુપરાંત મોંઘવારીના કારણે મજુરીના ભાવમાં પણ ખુબ જ વધારો થયો છે.
જેના પરિણામે કોમર્શીયલ, રેસિડેન્શીયલ એટલે કે દરેક પ્રકારના બાંધકામની કોસ્ટીંગમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયેલ છે. જેના પરિણામે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સની યુનિટ કોસ્ટમાં પણ ઘણો જ વધારો થયેલ છે. જે ભાવ વધારાના કારણે બાંધકામ વ્યવસાયકારોને ન છુટકે ભાવ વધારવાની ફરજ પડી રહેલ છે. ઉપરોકત બાબતે મીટીંગમાં સધન ચર્ચાઓ બાદ આ પરિસ્થિતિને અનુલક્ષી વધારાની કોસ્ટને પહોચી વળવા ના છુટકે તા. ૦૨-૦૪-૨૦૨૨ થી દરેક પ્રકારના બાંધકામમાં દર ચો.ફુટે ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનો ભાવ વધારો લાગુ કરવા સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. અને છાસવારે કરવામાં આવતા આવા કૃત્રિમ અને અસહ્ય ભાવ વધારા સામે સરકાર પણ જરૂરી પગલાં લે તેવી માંગણી પણ કરવામાં આવી છે. વધુમાં હાલમાં રેરા રજીસ્ટર્ડ ચાલુ પ્રોજેક્ટ્સ કે જેમાં બુકીંગ થયેલ છે તેવા પ્રોજેકટસમાં રો મટીરીયલ્સના આ ભાવ વધારાની ગંભીર અસરો પડી રહેલ છે . જેથી નિયત કરેલ કોસ્ટમાં યુનીટ આપી શકાય તેવી પરિસ્થિતિ રહેલ જ નથી. આથી આ અંગે અમોને પ્રાઈસ એસ્કેલેશન માટે રેરા ઓથોરીટી સમક્ષ દાદ માંગવાની ફરજ પડી છે અને બુક થયેલા પ્રોજેક્ટ્સમાં પણ દર ચો. ફુટે ૪૦૦ થી ૫૦૦ રૂપિયાના ભાવ વધારાનો એસ્કેલેશન કરી આપવામાં આવે તેવી મીટીંગમાં ભારપૂર્વક માંગણીઓ કરવામાં આવેલ જેને સભાએ બહાલ રાખવા ઠરાવ્યું છે. બિલ્ડરો ભાવ વધારો કરી લોકોના માથે કોઈ પણ બર્ડન લાવવા માંગતા ન હોવા છતાં સ્ટીલ સિમેન્ટ કંપનીઓની મનમાનીને કારણે જ નાછૂટકે કરવો પડ્યો છે.
ઉપરાંત એસોસિએશનના ખૂબ જ સક્રિય સેક્રેટરી સુરેશભાઈ મોદીએ છેલ્લા ૫ વર્ષથી ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસીડી સ્કીમ તા. 31.03.22 ના રોજ બંધ થઈ રહી છે. તે અંગે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ છેલ્લા ૬ મહિનાથી રજુઆત કરાઈ રહી છે. ટુક સમયમાં સ્કીમ લંબાવાશે એવી આશા વ્યક્ત કરાઈ હતી.