મધુબન ડેમમાં પ્રતિ કલાકે 1 લાખ 12 હજાર 03 ક્યુસેક પાણીની આવકઅને દમણગંગા નદીમાં પ્રતિ કલાકે 1 લાખ 59 હજાર 546 ક્યુસેક પાણીની આવક થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
વલસાડ:દાદરા નગર હવેલીમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે ખાનવેલ વિસ્તારમા ભારે વરસાદ પડવાની કારણે નદીનાળા છલકાઈ ગયા છે. સેલવાસમાં 4 ઇંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે ખાનવેલ વિસ્તારમા છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમની સપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ડેમમાં પ્રતિ કલાકે 1 લાખ 12 હજાર 03 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને લઇને ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જ્યારે દમણગંગા નદીમાં પ્રતિ કલાકે 1 લાખ 59 હજાર 546 ક્યુસેક પાણીની આવક થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ તાલુકાના નિચાણવાળા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્રારા ટ્વીટ કરી નિચાણવાળા વિસ્તારોના લોકોને નદીકિનારા નજીક અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં એક NDRFની ટીમ સેન્ડબાય કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ અધિકારીઓને પોતાના હેડકોટર્સ ન છોડવાની સૂચના પણ આપવામાં આવી છે