ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આગામી 1લી સપ્ટેમ્બરથી અમૂલ દાણના ભાવમાં વધારો કર્યો છે. આમ,ગાય-ભેંસ માટે વપરાતા પશુ દાણમાં દર વર્ષે થઈ રહેલા ભાવ વધારાને પગલે પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.કપાસ ખોળ, મકાઈ ખોળ સહિતના સામગ્રીના ભાવમાં વધારો થતાં પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત કેટલ ફીડ ફેકટરી કંજરી અને કાપડીવાવ ફેકટરીમાં અમૂલ દાણનું ઉત્પાદન થાય છે. હાલના ભાવ 50 કિલોની ગુણનો ભાવ 965 અને 70 કિલોની ગુણનો ભાવ 1390 હતો. પરંતુ હાલમાં મટીરીયલના ભાવ વધી ગયા હોવાથી દાણના ભાવમાં કિલોએ 50 પૈસાનો વધારો કર્યો છે. આગામી 1લી સપ્ટેમ્બરથી અમૂલ દાણની 50 કિલોની ગુણમાં રૂા 25 વધારો થતાં હવે તે ગુણ રૂપિયા 990માં મળશે. જયારે 70 કિલોની ગુણમાં રૂપિયા 35નો વધારો થતાં 1425માં મળશે,અત્રે ઉલ્લેખનીય છે કે , અમુલ દાણની બનાવટમાં મકાઈ, કપાસ, ભુસુ તથા ગોળ અને ઘંઉ ઘવારીયું વપરાય છે. જેના ભાવમાં વધારો થયો છે. તેના કારણે ચાલુ વર્ષે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ચાલુ વર્ષે અમૂલના કિલોના દાણમાં વધારો કરવામાં આવ્યો છે. બે વર્ષ પછી અમૂલના દાણમાં વધારો કરાયો છે. એમ સંઘના સંચાલકોએ જણાવ્યું હતું.