વલસાડ
મોબાઇલની દુકાનો પરથી લવજેહાદનું મોટું ષડયંત્ર ચાલતું હોવાનો દાવો વલસાડ ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના સહમંત્રી અરવિંદ બારોટે કર્યો હતો. તેમણે મોબાઇલની દુકાનો પર ગ્રાહક તરીકે ગયેલી દીકરીઓને કેવી રીતે ફસાવાય છે તેની આખી ઓપરેન્ડી મીડિયા સમક્ષ વર્ણવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપવા માટે વલસાડના સર્કિટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે એવા અનેક કિસ્સા છે જેમાં મોબાઇલની દુકાન ઉપર કામ કરતા વિધર્મી કર્મચારીઓ દ્વારા દીકરીઓને ફસાવી લવજેહાદનાં કૃત્યને અંજામ આપવામાં આવી રહ્યો છે. જ્યારે આપણી દીકરી મોબાઇલની દુકાનમાં રિચાર્જ કરાવવા જાય ત્યારે તેના નંબર નોટમાં લખવામાં આવે છે. તમામ નંબરોમાંથી દીકરીઓના નંબરો ટીક કરવામાં આવે છે. પછી શરૂ થાય છે ષડયંત્રને અંજામ આપવાની કાર્યવાહી. આ યુવાનો દ્વારા દીકરીને મિસ્ડકોલ કરવામાં આવે છે. સ્વાભાવિકપણે મિસ્ડકોલ કોનો છે તે જાણવા માટે યુવતિ ફોન કરે છે અને વાતોમાં હોશિયાર વિધર્મીઓ દીકરીને મિત્ર બનાવી ધીમે ધીમે જાળમાં ફસાવી લે છે. અને આખરે લવજેહાદને અંજામ આપે છે. કેટલાક કિસ્સાઓમાં આપણી ઘરની દીકરીઓ મોબાઈલ રીપેરીંગ કરાવવા જાય ત્યારે મોબાઇલની દુકાન પર કામ કરતા વિધર્મીઓ તેનો નંબર પોતાના નમ્બર ઉપર મિસકોલ કરી લઈ લે છે અને યુવતીના મોબાઇલની કૉલ હિસ્ટ્રીમાંથી નંબર ડીલીટ કરી નાખે છે. અને ધીમે ધીમે દીકરીને ફોન પર સંપર્ક કરી લવજેહાદમાં ફસાવી લે છે. આ વિધર્મીઓ આ ષડયંત્રને પ્રેમનું નામ આપતા હોય છે. પરંતુ પ્રેમજેવું કશું હોતું જ નથી. આ હિન્દુત્વને નાબૂદ કરવાનું ષડયંત્ર છે.
તેમણે આવા લવજેહાદીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે તેઓ સમજી જાય તો ભલાઈ એમની જ છે. જો તેઓ અમારી સહનશક્તિને નપુંસકતા સમજતા હોય તો બહુ મોટી ભૂલ છે. અમારી દીકરી ઉપર કોઈપણ તરાપ મારશે તો અમે કોઈપણ સંજોગોમાં ચલાવી લેશું નહીં. આ લવ જેહાદીઓ તેમની પ્રવૃતિઓ ચાલુ રાખશે તો ભવિષ્યમાં કાયદા અનુસાર તેનું ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.
વીએચપીના ખૂબ જ સક્રિય નેતા અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદની 1964 માં મુંબઈમાં સ્થાપના થયાં બાદ સ્થાપનાં વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. 30 થી 7 સપ્ટે સુધી વલસાડ જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ, દીકરીઓને સુરક્ષિત રાખવાના સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે વીએચપીના નટુભાઈ સહિત અનેક હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.