મહેસાણા: જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનના મિયાઓ ઝાંગને 3-2 થી હરાવી હતી. ભાવિના પટેલે ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. ત્યારે મહેસાણામાં ભાવિના પટેલના ઘરે ખુશીનો માહોલ છવાયો છે. તેમના માતાપિતા તથા સ્નેહીઓએ મીઠાઈ ખવડાવીને ભાવિનાની આ ખુશીને સેલિબ્રેટ કરી હતી.
ભાવિનાના ગામમાં ઉત્સવ જેવો માહોલ ટોક્યો પેરાઓલિમ્પિકમાં ગુજ્જુ ખેલાડીનો દબદબો છવાયો છે. ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલમ્પિકમાં ભાવિના પટેલ ફાઈનલમાં પહોંચી છે. આ સાથએ જ પેરાઓલિમ્પિકમાં ભાવિના પટેલે મેડલ પાક્કો કર્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. તેની આ સફળતાથી તેના નાનકડા એવા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. માતા નિરંજનાબહેન અને પિતા હસમુખભાઈની ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ મીઠાઈ ખવડાવીને દીકરીને વધાવી હતી.ભાવિનાની સફળતા વિશે માતા નિરંજનાબેને કહ્યું કે, ઘણી ખુશી થઈ છે, આજે મારી ખુશીનો પાર નથી. તેનુ સપનુ હતુ કે હું મારી રમતમાં આગળ વધુ અને ગોલ્ડ મેડલ સુધી પોહંચી. આજે ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છે. તો પિતા હસમુખભાઈએ કહ્યું કે, અમારા ગામમાં ખુશીથી ફટાક્યા ફૂટ્યા છે. અમને આશા છે કે મારી દીકરી ગોલ્ડ લઈને આવશે. રાતદિવસ મહેનત કરીને તેને અમે અહી સુધી પહોંચાડી છે. સવારે ચાર વાગ્યે હુ તેની સાથે ઉઠીને પ્રેક્ટિસ કરતો હતો. તેથી તે ચોક્કસથી દેશ માટે ગોલ્ડ લાવશે.
ફાઈનલમાં પહોંચ્યા બાદ હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7:30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ સાથે સ્પર્ધા કરશે. ઉલ્લેખનીય છે કે, ભાવિનાબેનને 12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું.