યુ.પી.ના પૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરને બોચી પકડી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા : માફિયા મુખ્તાર અંસારીના કહેવાથી જેલમાં બંધ બસપાના સાંસદ અતુલ રાયને બળાત્કારના આરોપમાંથી બચાવવાનો પ્રયત્ન મોંઘો પડ્યો : પીડીતાએ આત્મહત્યા કરતા પહેલા અમિતાભ ઠાકુરને જવાબદાર ગણાવ્યા હતા : એસઆઇટીના રિપોર્ટના આધારે ધરપકડ

ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના પૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરને બોચી પકડી પોલીસ વાનમાં બેસાડી લઇ જવામાં આવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી ચાલતી હતી એ જ વખતે યુપીના નેતા અતુલ રાય ઉપર એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. એ વખતે જ અતુલ રાયની ધરપકડ થઈ હતી. હવે તેને મદદ કરવાના આરોપમાં પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરની પણ ધરપકડ થઈ છે.અતુલ રાય જેલમાંથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડયા હતા અને જીતી ગયા હતા. બસપાના સાંસદ ઉત્તર પ્રદેશની નૈની જેલમાં બંધ છે. પીડિતાએ અતુલ રાય ઉપરાંત કેટલાય આરોપીઓ ઉપર આક્ષેપ લગાવ્યા હતા. એમાં પૂર્વ આઈપીએસ અમિતાભ ઠાકુરનો પણ સમાવેશ થતો હતો. અમિતાભ ઠાકુર પર આરોપ લાગ્યો હતો કે માફિયા મુખ્તાર અંસારીના કહેવાથી બસપાના સાંસદ અતુલ રાયને બચાવવા માટે અમિતાભ ઠાકુરે ષડયંત્ર રચ્યું હતું.અમિતાભ ઠાકુરની આ રેપ કેસમાં સંડોવણી મુદ્દે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એ એસઆઈટીના રીપોર્ટના આધારે જ પૂર્વ પોલીસ અધિકારી અમિતાભ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ધરપકડ કરવા અમિતાભ ઠાકુરના ઘરે પહોંચી ત્યારે આ પૂર્વ આઈપીએસ અધિકારીએ સાથે આવવાનો ઈનકાર કર્યો હતો.
એ પછી પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારીને ખેંચીને બળજબરીથી ગાડીમાં બેસાડયા હતા. ધરપકડ કરવા પહોંચેલી પોલીસની ટીમના કહેવા પ્રમાણે પૂર્વ આઈપીએસ અધિકારીએ દમ દેખાડયો હતો અને એક કર્મચારી ઉપર હાથ પણ ઉપાડયો હતો.
ઉલ્લેખનીય છે કે અતુલ રાય ઉપર રેપનો આરોપ લગાડનારી પીડિતાએ ગત ૧૬મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની બહાર તેના મિત્ર સાથે શરીર ઉપર આગ લગાડી દીધી હતી. બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ પહેલાં બંનેએ ફેસબુક લાઈવ કર્યું હતું અને ન્યાયની માગણી કરી હતી.જેના અનુસંધાને એસઆઈટી ની તપાસને ધ્યાને અમિતાભ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!