જનરલના વાંધાને ફગાવાયો
દારૂબંધીને પડકારતી અરજીઓની સુનાવણી હાઇકોર્ટમાં થઇ શકે છેઃ સરકારને ફટકો : ગુજરાતમાં દારૂબંધી અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
અમદાવાદ: દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો.અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત હાઇકોર્ટે નકારી છે. વ્યકિત પોતાના દ્યરની ચાર દીવાલમાં બેસીને શુ ખાશે કે શુ પીશે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી થઈ છે. દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થશે.
રાજય સરકાર વતી એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજૂઆત હાઇકોર્ટે નકારી હતી.આ પહેલાંની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, દ્યરની ચાર દીવાલોમાં વ્યકિત શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજયમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી. જે રાજયમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજયમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજયમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી. બીજા રાજયમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી.તેમણે રજૂઆત કરી કે, ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નથી. પહેલાંની સુનાવણી વખતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું હતું કે, દારૂ પીધા પછી વ્યકિતને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યકિત કેટલો સમય નશામાં રહેશે એ સરકારે કયાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં કયાંય લખેલું છે ખરું? અરજદારોએ રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં કયાંય જાહેર કરાયો નથી. તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત હતી કે, બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજયો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને દ્યણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે એવી પણ અરજદારોની રજૂઆત હતી