તા. ૧ થી ૩ સપ્ટેમ્બરની ભાજપ કારોબારીમાં એક દિવસ રાજનાથસિંહ હાજરી આપશે : વડાપ્રધાનના જન્મદિને ૭૧૦૦ ગામોમાં રામ આરતી : ૩૫૩ સ્થળોએ પુસ્તક પ્રદર્શન : નરેન્દ્રભાઇ ૧૩ વર્ષ મુખ્યમંત્રી પદે રહેલા અને ૭ વર્ષથી વડાપ્રધાન છે તેમના સત્તાકાળના કુલ ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૭ ઓકટોબરે વિવિધ કાર્યક્રમો
રાજકોટ: ગુજરાત ભાજપ દ્વારા તા. ૧થી ૩ સપ્ટેમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયામાં પ્રદેશ કારોબારી મળનાર છે. કોરોના વખતમાં ઓનલાઇન કારોબારી થયેલ. સ્થળ પરની હાજરી સાથેની કારોબારી પ્રથમ વખત મળનાર છે એક દિવસ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ હાજરી આપનાર છે. ત્યારબાદ તા. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન અને ૭ ઓકટોબરે તેમના સળંગ સત્તાકાળના ૨૦ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવશે.
ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી મોદીને ૭૧ વર્ષ પૂરા થઇ રહ્યા છે. તે નિમિતે રાજ્યના ૭૧૦૦ ગામોમાં રામજી મંદિરમાં ખાસ આરતી થશે. ઉપરાંત ઠેર-ઠેર વૃક્ષારોપણ, બાળ તંદુરસ્તી હરીફાઇ, મેડીકલ કેમ્પ વગેરે યોજાનાર છે. તા. ૧૭ સુધી બુથ દિઠ ઓછામાં ઓછી ૫૦ નમો એપ ડાઉનલોડ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.શ્રી નરેન્દ્રભાઇ ૭ ઓકટેબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહ્યા બાદ ૭ વર્ષથી વડાપ્રધાન છે. તેમના સળંગ કાર્યકાળના ૨૦ વર્ષ ૭ ઓકટોબરે પુરા થઇ રહ્યા છે તે નિમિતના વિવિધ કાર્યક્રમો ઘડાઇ રહ્યા છે. દેશમાં આ રીતે સત્તાના ૨૦ વર્ષનું એક માત્ર ઉદાહરણ છે.