વલસાડ
વલસાડની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ કાઢેલી જન આશીર્વાદ યાત્રા પત્યા બાદ વલસાડના ઊઁટડી ગામના યુવાને જીવના જોખમે ખુલ્લી જીપ સાથે સ્ટંટ કરતા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસે ખુલ્લી જીપમાં સ્ટંટ કરનારાં યુવાનની ધરપકડ કરી છે.
આજના યુવાનોને બાઈક, કાર, જીપ મોપેડ જેવા વાહનો પૂર ઝડપે ભયજનક રીતે ચલાવી પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી ખુલ્લેઆમ સ્ટંટ કરતા હોય છે. થોડા મહિના અગાઉ વલસાડમાં પણ કેટલાક યુવાનો બાઈક કાર સાથે સ્ટંટ કરતાં હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. ત્યારે હાલમાં વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ઉંટડી ગામે રહેતાં પિનાકીન પટેલ નામના યુવાને જીવનાં જોખમે ખુલ્લી જીપ સાથે સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો.
જેને પોલીસને જાણ થતા પોલીસે આજરોજ તેની ધરપકડ કરી હતી કાર પર સ્ટંટ કરનારા યુવકની પોલીસે ધરપકડ કરતા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ડુંગરી પીએસઆઇ જયદીપ રાજપુતના જણાવ્યા મુજબ આ યુવાન આગળ બે વખત દારૂના કેસમાં પકડાયો હતો. સ્ટંટ કરવા માટે તે મિત્રની કાર લઇ ગયો હતો. વધુમાં પીએસઆઇએ આવા રોમિયોગીરી કરનારાઓને ડુંગરી વિસ્તારમાં કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં એમ કહ્યું હતું.