હિન્દુઓની આસ્થા અને વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો :સ્વસ્છતાનો પ્રશ્ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શકાય : અર્જુનભાઈ મોઢવાડિયા
અમદાવાદ : દેશની જનતાનું આસ્થા કેન્દ્ર, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લા વિશ્વ પ્રસિધ્ધ તિર્થ ક્ષેત્ર અને પ્રથમ જયોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પવિત્ર ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થિનું વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડીને ભાજપ સરકારે હિન્દુઓની આસ્થા અને વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે.
તેમણે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, ભારતભરમાં આવેલા મહાતિર્થ ક્ષેત્રોમાં પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી બેરોકટોક પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે. આ બાબત ભારતીય સંસ્કુતિ અને હિન્દુ ધર્મના લોકોના વિશ્વાસ સાથે જોડાયેલ છે. તેમાંય સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમનું તો આગવું મહાત્મય છે. ભગવાન કુષ્ણે પોતાના સ્વજનોના અસ્થિનું વિસર્જન અહીં ત્રિવેણી સંગમ ખાતે કર્યું હોવાનો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ છે.
અહીં હિરણ્ય, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. જયાં પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવાથી મુતકના આત્માને મોક્ષ મળે તેવી દ્દઢ માન્યતા છે. એટલે સ્વાભાવિક રીતે અહીં અસ્થિનું વિસર્જન અને પિંડદાનનું મહાત્મય હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા સોમનાથ ટ્રસ્ટની અરજીથી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા અસ્થિનું વિર્સજન અને પિંડદાન ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ખૂબ જ દુખદ અને હિન્દુ ધર્મના લોકોની આસ્થા સાથે રમત સમાન છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પવિત્ર ત્રિવેણી સંગમ સ્થળે અસ્થિનું વિસર્જન અને પિંડદાન ઉપર અનેક પુરોહિતોની રોજીરોટી સંકળાયેલી છે. એટલે કે ત્રિવેણી સંગમ ખાતે અસ્થિનું વિસર્જન અને પિંડદાન ઉપર પ્રતિબંધ મૂકીને સરકાર આ પુરોહિતોને બેરોજગાર બનાવવાનું કામ કરી રહી છે. નદીની સ્વચ્છતાનો પ્રશ્ન સમજી શકાય તેવી બાબત છે. પરંતુ આ માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર નદીની નિયમિત સફાઇ કરવાની વ્યવસ્થા ગોઠવી શકે છે. પવિત્ર ત્રિવેણી સંગમની બાજુમાં કુંડ બનાવી, તેમાં ત્રિવેણી સંગમનું પાણી ભરી ત્યાં અસ્થિનું વિસર્જન અને પિંડદાનની વ્યવસ્થા કરી શકે છે. પરંતુ આ રીતે સંપૂર્ણ રીતે આ કામગીરી પર પ્રતિબંધ મૂકી દેતું ફરમાન આપખુદશાહી અને હિન્દુ ધર્મની માન્યતાઓ ઉપર પ્રહાર છે. જેને કોઇ જ કિંમતમાં સહાન કરી શકાય નહીં હોવાનું તેમણે જણાવ્યું છે.વધુમાં તેમણે ભાજપની કોરોના પ્રોટોકોલ બાબતની બેધારી નીતિની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પથી શરૂ કરીને રૂપાણી સરકારની પાંચ વર્ષની ઉજવણી કરવામાં કોરોના પ્રોટોકોલની ઐસી-તૈસી કરતાં ભાજપના આગેવાનો સુપર સ્પેડર બનતાં કોઇ રોકતું નથી. પરંતુ કોરોના પ્રોટોકોલના નામે સામાન્ય નાગરિકોને પોતાના વ્યક્તિગત કે ધાર્મિક પ્રસંગ કરવા દેવામાં આવતા નથી. ભગવાન સોમનાથ મંદિર ધામના ત્રિવેણી સંગમ સ્થળે ધાર્મિક કર્મકાંડ પ્રક્રિયા ઉપર રોક લગાવીને ભાજપે પોતાનો અસલી ચહેરો પ્રદર્શિત કર્યો છે. જેથી આ પ્રતિબંધને તાત્કાલિક ઉઠાવી લઇને જનતાની આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગવાની મોઢવાડિયાએ માંગણી કરી છે.