વલસાડ
વલસાડ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં પૈસાની લાલચ આપી લોકો પાસે તેમના જરૂરી દસ્તાવેજ લઇને જુદી જુદી બેંકોના ફાઇનાન્સના નામે ટુ વહીલરની લૉન લઈ લીધા બાદ વાહનોના હપ્તા ના ભરી જેમના કાગળો ઉપર લૉન લીધી હોય તેમની જાણ બહાર લૉન ઉપર લીધેલ વાહન વેચાણ કરી દઈ છેતરપિંડી કરતા હતા. જે અંગે છેતરપિંડીની ફરિયાદ આશિષ ભાઈએ આપતા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રાણા અને તેમની ટિમ દ્વારા તપાસ કરતા લોકોના નામે લૉન લઇ બાઈક લઇને વેચાણ કરી દેનારા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ કૌભાંડમાં વેચેલી 16 મોંઘીદાટ બાઇકો કબ્જે કરી છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુંદલાવના ઘડોઈ ફાટક પાસે રહેતા આશિષભાઈ મુકેશભાઈ પટેલના પિતા મુકેશભાઈ મણિલાલ પટેલને આ ટોળકીએ પૈસાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી જુદી-જુદી બેંક અને ફાઈનાન્સ કંપનીઓમાંથી ત્રણ યામાહા કંપનીના R15 બાઈક ઉપર લોન મેળવી તેની જાણ બહાર વલસાડ, ડુંગરી, વાપી તથા મહારાષ્ટ્ર રાજ્યમાં જુદી જુદી જગ્યાએ વેચાણ કરી નાખ્યા હતા. તેમજ તેમના પાડોશમાં રહેતા અશોકભાઇ સુમનભાઈ પટેલના નામે એક બજાજ પ્લેટીના મોટર સાયકલની લોન પણ કરી નાખી હતી. આ સમગ્ર હકીકતની જાણકારી ત્યારે બહાર આવી ત્યારે બેંકના રિકવરી ઓફિસર લોનની રિકવરી મેળવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પરંતુ તેમણે કોઈ પણ બાઈક માટે લોન લીધી જ ન હતી તો પછી રિકવરી ઓફિસર તેમને ત્યાં કેવી રીતે પહોંચ્યા? આ અંગેની તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના અવસાન પામેલા પિતાના નામનાં કેટલાક કાગળો દ્વારા લોન લેવામાં આવી છે અને તે અંગે તેમણે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જે બાદ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ. અમીરાજસિંહ રાણા અને તેમની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરતાં પોલીસે આ સમગ્ર કિસ્સામાં વિજય ઓમકાર વિઠ્ઠલભાઈ પાટીલ, રહે.નાની દમણ, ખારીવાડ, સાગર એપાર્ટમેન્ટ, રૂમ નંબર-601 તથા તેના સાગરિત મયુરભાઈ અમૃતભાઈ પટેલ, રહેવાસી. કાંજણહરિ, પશ્ચિમ કોળીવાડ ફળીયા તેમજ અંકિત વિનોદભાઈ પટેલ, રહેવાસી. જૂજવાં, મિલ ફળીયા દ્વારા ગ્રામીણ કક્ષાના ભોળા લોકોને પૈસાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેઓના જરૂરી દસ્તાવેજો મેળવી લઈ જુદીજુદી બેંકોમાં ફાઈનાન્સ કંપનીઓ માટે ટુ વ્હીલર વાહનો પર લોન લઇ આ વાહનોના હપ્તા ન ભરી તેઓના નામે લોન હોય તેમની જાણ બહાર અન્ય જગ્યાએ વેચાણ કરી ગ્રામજનો સાથે છેતરપિંડી કરી હતી.
આ કિસ્સામાં પોલીસે અત્યાર સુધીમાં છેતરપિંડી કરીને વેચાણ કરેલા 16 મોંઘીદાટ બાઇક જેની કિંમત 19 લાખ 84 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ આ સમગ્ર છેતરપિંડીમાં સામેલ અન્ય લોકોને પણ શોધખોળ શરૂ કરી છે. જેમ કે વિવિધ બેંકોમાં તેમને લોન અપાવનાર કર્મચારીઓની કોઈ સામેલગીરી હોય તો તેવા શખ્સ તેમજ તેમની પાસેથી બાઇક ખરીદનારા જેઓને ખબર હતી કે બીજાના નામે બાઈક ઉપર લોન લેવામાં આવી છે અને તેમને આ બાઈક વેચવામાં આવે છે તેમ છતાં પણ તેમણે બાઇક ખરીદી હોય તેવા લોકોને પણ પોલીસે શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.