વલસાડ
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સ્ટેટ કોરિડોર પ્રોજેક્ટમાં આવતા ૨૧ જેટલા આર.ઓ.બી. પૈકી ધરમપુરથી વલસાડ રોડ ઉપર આવતા અબ્રામા રેલવે ઓવરબ્રીજના નવી લાઇનના અંદાજીત 50 ફૂટના ભાગને તોડી માત્ર ૨૦ દિવસના ખૂબ જ ટૂંકા સમયગાળામાં અદ્યતન ટેકનોલોજી દ્વારા અંદાજિત રૂા.૪ કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આટલું કામ કરવામાં ૬ મહિનાનો સમય નીકળી જતો હોય છે. આજે તા.૨૧મી જૂનના રોજ વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે આ રેલવે ઓવર બ્રીજને ટ્રાફિકના અવર-જવર માટે ખુલ્લો મૂકયો હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં નોંધનીય કામગીરી કરનારા આ પ્રોજેક્ટના કેન્દ્ર સરકારના રેલવે વિભાગના ઈન્ચાર્જ અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગને કલેક્ટરે અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.૨/૬/૨૦૨૧થી તા.૨૧/૬/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) ૨૦ દિવસ માટે આર.ઓ.બી. ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કર્યો હતો.