ખેરગામમાં ઓક્સિજન પ્લાન્ટ અને જામનપાડામાં 66kv સબ-સ્ટેશનનું સી.આર.પાટીલનાં હસ્તે લોકાર્પણ કરાયું

ખેરગામ
ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત ખેરગામ આવેલાં નવસારીના સાંસદ સી.આર.પાટીલે આજે ખેરગામ રેફરલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટનું તથા જામનપાડા ગામે નવા બનાવાયેલા વીજ કંપનીના 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સવારે 10:30 ની આસપાસ જામનપાડા પહોંચી જામનપાડા ખાતે બનાવાયેલાં વીજ કંપનીના સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ સબ સ્ટેશન કાર્યરત થતાં લોકોને ઘણી રાહત થશે. ત્યારબાદ તેઓ રેફરલ હોસ્પિટલના માર્ગે વચ્ચે બહેજ ગામે આવતાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરના ઘરની મુલાકાત લીધી હતી.

જે બાદ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા દાનમાં અપાયેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછતને કારણે લોકોના મોત થતા હોય સી.આર.પાટીલે અંગત રસ લઈ આ ઓક્સિજન પ્લાન્ટ ડોનેશન કરાવ્યો હતો. ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાને કારણે ખેરગામ કોવિડ કેર સમિતિના સભ્યોમાં પણ ભારે ઉત્સાહ વર્તાયો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર આંદ્રા અગ્રવાલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, મામલતદાર નિરીલ મોદી, તાલુકા હેલ્થ ઓફિસર ભરત પટેલ, ખેરગામના આગેવાનો ચુનીભાઈ પટેલ, શૈલેષભાઈ ટેલર, તર્પણબેન વણકર, મનોજભાઈ સોની, શશીકાંત પટેલ, વિજયભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, પ્રશાંતભાઈ પટેલ, ધર્મેશભાઈ ભરૂચા, તારાબેન ખાંડાવાલા, ભૌતેશ કંસારા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!