ખેરગામ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખેરગામ શાખા દ્વારા કરાતી લાલિયાવાડીને પરિણામે કોઈક દિવસ નિર્દોષ વ્યક્તિ મોતને ભેટે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ખેરગામ ભૈરવીનાં તાડ ફળિયા અને ઝરા ફળીયા વિસ્તારમાં માર્ગ પર ફ્યુઝબૉક્સ ખુલ્લી હાલતમાં હોય અવર જવર કરનાર રાહદારીઓ, વાહનચાલકો સહિત મૂંગાપશુઓ માટે જોખમરૂપ બની ગયાં છે.
વીજ કંપનીના લાપરવાહ અધિકારીઓ અહીં કોઈકનાં મોતની રાહ જોઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ભૈરવી ગામે ખુલ્લા ફ્યુઝબૉક્સ ઘણા સમયથી ખતરારૂપ બન્યા છે. ફરજ પર આવતા વીજ કર્મચારીઓને ખુલ્લા બોક્સ કેમ દેખાતાં નથી? એવાં સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.
ભૈરવી ઝરા ફળિયામાં ટ્રાન્સફોર્મરની નીચે પોલ પર લગાવાયેલાં મીટર બોક્સમાં મધપૂડો બેસી ગયો છે. મધપૂડાને કારણે વીજ કંપનીના કર્મચારીઓ મીટર બોક્સ પણ બંધ કરી જતા નથી. હાલમાં ચોમાસાની મોસમ શરૂ થઈ ગઈ હોય વરસાદના કારણે ખુલ્લા ફ્યુઝ તથા મીટર બોક્સમાં પાણી જવાને કારણે શોર્ટ સર્કિટ થવાનો પણ પ્રશ્ન રહે છે. તેમ છતાં વીજ કંપનીના બેદરકાર કર્મચારીઓની લાપરવાહીને કારણે જાનમાલને નુકસાન થાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. સમયસર ખેરગામ વીજ કંપનીના અધિકારીઓ આ ફ્યુઝબૉક્સ બદલે નહીંતર આવનારા દિવસોમાં કોઈ નિર્દોષને વ્યક્તિના મોતનું કારણ બની શકે તેમ છે.