ખેરગામ
ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત નવસારીના સાંસદ ખેરગામ પધારશે. તેઓ ખેરગામ રેફરલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટનું તથા જામનપાડા ગામે નવા બનાવાયેલા વીજ કંપનીના 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરશે.
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિરના જણાવ્યા મુજબ આવતીકાલે સવારે 10 વાગ્યે સી.આર.પાટીલ ખેરગામ આવી જશે. પ્રથમ જામનપાડા ખાતે બનાવાયેલાં વીજ કંપનીના સબસ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સબ સ્ટેશન કાર્યરત થતાં લોકોને ઘણી રાહત થશે. ત્યારબાદ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લગાવાયેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછતને કારણે લોકોના મોત થતા હોય સી.આર.પાટીલે અંગત રસ લઈને ઓક્સિજન પ્લાન્ટ ડોનેશન કરાવ્યો હતો. ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાને કારણે ખેરગામ કોવિડ કેર સમિતિના સભ્યોમાં પણ ભારે ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ સહિત વલસાડ-નવસારી જિલ્લાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.