વલસાડ જિ.પં.માં ભાજપનું સુશાસન: સભામાં વિપક્ષોના કોઈ પ્રશ્નો જ નથી

વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સુવ્યવસ્થિત રીતે ચાલતું હોવાનું સાબિત થયું છે. આજરોજ યોજાયેલી વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષે એક પણ પ્રશ્ન રજૂ ન કરતાં જિલ્લામાં કોંગ્રેસ સહિતનાં તમામ લોકો વલસાડ જિલ્લા પંચાયતની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાયું છે.
વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભા  પ્રમુખ અલકાબેન શાહનાં અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત કચેરીના રાજીવ ગાંધી સભાગૃહમાં 11:30 કલાકે રાખવામાં આવી હતી. સભામાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ કામભાગીઓ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. એજન્ડાના કામોમાં સભાની કાર્યવાહીને બહાલી આપવા, સભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો બાબત, ગત સભાની બેઠકમાં લીધેલા નિર્ણયો ઉપર લીધેલ પગલાંનો અહેવાલ, જિલ્લા પંચાયતની સમિતિઓની સભાઓની કાર્યવાહી, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કામોનાં આયોજન મંજૂર કરવા બાબતના કામોનો સમાવેશ કરાયો હતો. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે જિલ્લા પંચાયતના તમામ સભ્યોને વિશ્વાસમાં રાખી દરેક કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમજ છેલ્લા દોઢ વર્ષથી જિલ્લામાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકારી કર્મચારીઓ, જિલ્લા પંચાયત સભ્યો સહિત અન્ય સરકારી અધિકારીઓએ સારી કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષે એક પણ પ્રશ્ન રજૂ ન કરતાં સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં સમેટાઈ ગઈ હતી. સભામાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા પંચાયતના વિવિધ કચેરીના અધિકારીઓ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાં સભ્યો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ રાખી બેઠાં હતાં. તેમજ સરકારની કોવિડ  ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

સરોણ અને નંદાવલા ગ્રા. પં. છૂટી પડશે

વલસાડ તાલુકાના સરોણ નંદાવલા જુથ ગ્રામ પંચાયત વિભાજન અંગેની ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાંથી દરખાસ્ત કરવામાં આવી છે. સરોણ નંદાવલા ગ્રામ પંચાયત અલગ કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!