ઉમરગામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૭ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરના હસ્તે ઉમરગામ તાલુકાના કરજગામ, પુનાટ, જંબુરી, મોહનગામ, એકલેરા, અચ્છારી, બોરીગામ સહિત વિવિધ ગામોના જરૂરીયાતમંદ એવા અપંગ, વિધવા, વૃદ્ધ, ગરીબ વ્યક્તિઓને પાંચ કિલો ચોખા, પાંચ કિલો લોટ, એક કિલો ખાંડ, એક કિલો તુવેર દાળ, તેલ, મીઠું, હળદર, બટાકા, અને મરીમસાલો વગેરે સાથેની રાશન કીટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં ઉમરગામ તાલુકા સંગઠન દ્વારા સેવા એ જ સંગઠનના ધ્યેય સાથે જરૂરરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે અનાજની કીટ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારના શ્રેષ્ઠ પ્રયાસો થકી છેલ્લા સાત વર્ષમાં દેશના તમામ ક્ષેત્રોના વિકાસ માટે પ્રગતિનો જે મક્કમ પાયો નાખવામાં આવ્યો છે તેને આગળ વધારવા બધાના સક્રિય સમર્થન સાથે રાષ્ટ્રને મજબૂત બનાવવા સૌના સહયોગની અપેક્ષા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ દરેક ગામની મુલાકાત વેળાએ ઉપસ્થિતોના હાલચાલ અને ગામની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી.
આ કીટ વિતરણના કાર્યક્રમોમાં વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકાના અગ્રણીઓ સર્વે દિલીપભાઈ ભંડારી, પ્રકાશભાઇ પટેલ, નિલેશભાઈ ભંડારી, અજયભાઈ ભંડારી, રામદાસભાઈ વરઠા, મહેન્દ્રભાઇ પુનાટકર, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સંબંધિત ગામના સરપંચ, ગ્રામજનો હાજર રહયા હતા.