ખેરગામ
ખેરગામ ખાતે છેલ્લા ચારેક વર્ષથી તબીબી વ્યવસાયની સાથે અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેલા ડો.નિરવ ભુલાભાઈ પટેલની વલસાડ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણુંક થતા ખેરગામ વિસ્તારના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની વલસાડ બ્રાન્ચના માજી પ્રમુખ ડો.ચિરાગ પટેલે એસોસીએશનના આગામી પ્રમુખ માટે ડો. નીરવ પટેલની પોતાના ગ્રુપમાં દરખાસ્ત મુકતા તેને સેક્રેટરી ડો.દેવાંગ દેસાઈ, ડો.પરસી ખરાસ, ડો.કિરણ પટેલ સહિતના સભ્યોએ વધાવી લીધી હતી. અને સર્વ સંમતિથી એસોસિએશનના આગામી પ્રમુખ તરીકે ડો.નિરવ પટેલની પસંદગી કરવામાં આવી હતી. તબીબી અભ્યાસમાં ગોલ્ડ મેડાલીસ્ટનો ખિતાબ મેળવનાર ડો.નિરવ પટેલે ખેરગામ તાલુકામાં છેલ્લા ચારેક વર્ષથી હોસ્પિટલ શરૂ કરી આરોગ્યની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરી છે. તેમની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ બ્રાંચના પ્રમુખપદે થયેલી નિમણુંકથી ખેરગામ વિસ્તારના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી તેમને અનેક શુભેચ્છા પાઠવી હતી.
દર્દી-ડોકટર વચ્ચેનું બંધન વધુ મજબુત બનશે: ડૉ. નિરવ પટેલ
ડો.નિરવ પટેલે જણાવ્યું કે પ્રમુખપદનું સુકાન સોંપવા બદલ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છુ. અને આશા રાખું છુ કે આપ સહુની લાગણી, આશિર્વાદ, સહકાર અને માથા પર સ્નેહ ભરેલ હાથ કાર્યકાળ દરમ્યાન હંમેશા બનેલો રહેશે. અને એ થકી સુંદર નીતનવા કામો થતા રહે અને વલસાડ IMA સફળતાની નવી સુકાનો સર કરે તેમજ દર્દી-ડોકટર વચ્ચેનું બંધન વધુ મજબુત બને તે માટે કોઇપણ ભેદભાવ વગર અમારી નવી ટીમ કામ કરશે.