દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમના જીવનમાં ખૂબ પીડા હોય છે પણ તેઓ સહન કરતા રહે છે અને પોતાનું દુઃખ કોઈને કહેતા પણ નથી. બલકે, અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની જતા હોય છે. વાત છે અહીં અમેરિકાની એક એવી મોડેલની, જેને લોકો ટ્રોલ કરતા રહ્યા પણ તે હિંમત ક્યારેય ન હારી. 23 વર્ષીય મહોગની ગેટર વાસ્તવમાં શારીરિક રીતે વિકલાંગ છે. લોકોએ હંમેશાં ફેશન શોમાં નાજુક, નમણી અને કમનીય કાયાવાળી મોડેલ્સ જોઈ છે, પણ આ અમેરિકન મોડેલ મહોગની ગેટરની વાત જુદી છે. સુંદરતાની સ્વામિની એ પણ છે, પરંતુ તેના એક પગમાં લિમ્ફેડેમા નામની બીમારીની અસર છે. આ બીમારી એવી છે જેનાથી શરીરમાં વધારાનું લિક્વિડ જમા થાય છે અને શરીરના નાજુક અંગમાં કે જ્યાં સોફ્ટ ટિશ્યૂ હોય છે ત્યાં જમા થાય છે. આને કારણે જ આ મોડેલનો એક પગ 45 કિલો વજનનો થઈ ગયો. આ બીમારીનો કોઈ ઈલાજ પણ નથી. લોકોએ તેની મજાક ઉડાવી, ટ્રોલ કરી, પણ તે ક્યારેય હિંમત ન હારી, પણ તેણે પોતાની આ આફત અથવા તો કમજોરીને જ અવસર અથવા તો તાકાતમાં પલટાવી નાખી. પોતાના વજનદાર એવા એક પગ સાથે જ ફોટોશૂટ કરાવીને તે અપલોડ કરવા લાગી. હવે લોકો તેને સારી કોમેન્ટ્સ આપી રહ્યા છે, પ્રેરિત પણ થઈ રહ્યા છે.