ધ આર્ટ ઓફ પ્લાન્ટ માઈક્રોસ્કોપી: શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રીય સ્તરનો ૩ દિવસનો વર્કશોપ યોજાયો: ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કોલકાતા, કેરળ એમ વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ જોડાયા

ગુજરાત એલર્ટ | ધરમપુર
સાચું શિક્ષણ એ નથી જે તમને સમસ્યાઓના ઉકેલ જણાવે પરંતુ સાચું શિક્ષણ એ છે કે જે તમને સમસ્યાઓના ઉકેલ જાતે શોધવા પ્રેરણા આપે. આવા જ ઉત્તમ ઉદ્દેશ્ય સાથે ધરમપુરમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિષ્ણાત અધ્યાપકો, અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ વિજ્ઞાનપ્રવાહની એક એવી કોલેજ છે જ્યાં શિક્ષણની સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ વર્ષે અહીં તા. ૯ થી ૧૧ જાન્યુઆરી,૨૦૨૫ સુધી એક રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ ‘ધ આર્ટ ઓફ પ્લાન્ટ માઈક્રોસ્કોપી’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નાતક, અનુસ્નાતક તેમજ સંશોધન કરતા વિધાર્થીઓ માટે યોજાયેલ આ વર્કશોપમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી, કોલકાતા, કેરળ વગેરે રાજ્યોમાંથી વિધાર્થીઓ જોડાયા હતા. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.

આ ૩ દિવસોમાં તેઓને પ્લાન્ટ એનાટોમીની ઊંડી સમજ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી જેમાં મોર્ડન પ્લાન્ટ સાયન્સની જાણકારી, ડેવલપમેન્ટલ રિસર્ચ, ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપી જેવા વિવિધ વિષયો આવરી લેવાયા હતા. ખાસ કરીને પ્લાન્ટ બાયોટેકનોલોજીના જિનેટિક એન્જિનિયરિંગ, ટિશ્યૂ કલ્ચર, સ્ટ્રેસ ફિઝિયોલોજી વગેરે જેવા વિષયોમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને પ્લાન્ટ એનાટોમીની રચના અને તેની અગત્યતા જાણવામાં આ વર્કશોપ ખૂબ જ મદદરૂપ નીવડ્યો હતો. આ ક્ષેત્રમાં નિષ્ણાત એવા સુરતની વિ.એન.એસ.જી. યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાઇન્સીસના નિવૃત્ત પ્રોફેસર અને ભૂતપૂર્વ હેડ, પ્રો. ડૉ. મીનુ પરબીયા મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા સાથે જ વડોદરાની ધ એમ.એસ, યુનિ.ના ડૉ. કિશોર રાજપૂત, શાહદા, મહારાષ્ટ્ર થી જી.બી. પટેલ સાયન્સ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. એમ. બી. જગતાપ તેમજ આણંદ, ચરોતર યુનિ.ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના બાયોલૉજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર અને હેડ ડૉ. જાનકી ઠક્કર વગેરેએ અહીં અતિથિ વક્તા તરીકે પધારી વર્કશોપના વિધાર્થીઓને ઘણી નવી અને સૂક્ષ્મ માહિતીથી જાણકાર કર્યા હતા.

આ વર્કશોપના કોઓર્ડિનેટર અને શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના બોટની ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામગીરી બજાવતા ડૉ. જય પંડ્યાએ જણાવ્યું હતું કે, “મૂળભૂત અને અદ્યતન વિજ્ઞાનના સેતુરૂપ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા આયોજિત પ્લાન્ટ એનાટોમી પર થયેલ આ 3 દિવસીય વર્કશોપનો ઉદ્દેશ્ય સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રેક્ટિકલ કૌશલ્યો અને નેટવર્કિંગની તકો પ્રદાન કરવાનો હતો. આ વર્કશોપમાં છોડની સચોટ ઓળખ અને સંરક્ષણના સાધનો પ્રદાન કરી વિદ્યાર્થીઓને પ્લાન્ટ બાયોટેકનોલોજી, પ્લાન્ટ પેથોલોજી, એગ્રીકલ્ચર અને સાયન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા પર ભાર મુકાયો હતો અને સાથે જ પ્લાન્ટ એનાટોમી વિષયમાં રસ ધરાવતા લોકોના સમુદાયને પ્રોત્સાહન આપ્યું હતું.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની પ્રયોગશાળામાં જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ હોવાથી પ્રેક્ટિકલ તાલીમ આપવામાં ખૂબ સરળતા રહી હતી. સહયોગ અને જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપતો આ વર્કશોપ વિજ્ઞાન અને સમાજ બંનેને લાભદાયી નીવડ્યો હતો.’’ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દર વર્ષે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું આવ્યું છે. અહીં વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે બનતા પ્રયાસો કરી તેમને પૂરતો સહકાર આપવામાં આવે છે. આ વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવવું એ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનો માટે એક સ્વપ્ન સાકાર થવા બરાબર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!