ગુજરાત એલર્ટ | વલસાડ
“આદિવાસીઓ આજે શિક્ષિત- દિક્ષિત થઇને તેમનામાં પરિવર્તન લાવી રહ્યા છે” એમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે રાજયના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ વિભાગના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પિયૂષભાઇ માહલા ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જે આદિવાસી સમાજને કોઇ પૂછતું ન હતું તેમને નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આદિવાસી સમાજને ગૌરવાન્વિત કર્યાો છે. દેશના રાષ્ટ્રપતિપદે શ્રીમતી દ્રોપદ્રી મૂર્મુએ બનાવીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ વર્ગ માટે જનધન યોજના દ્વારા બેંક ખાતાઓ ખોલાવીને ગરીબો માટેની યોજનાઓના લાભાર્થીઓના નાણાં સીધા જ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને વચેટિયાઓને દૂર કર્યા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્રેન્દ્રિયકૃત ભરતી પણ વિદ્યાર્થીઓના મેરીટ મુજબ ઓનલાઇન કરી છે. નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓ માટે સરકારી નોકરીમાં ૩૩ ટકા અને રાજકારણમાં ૫૦ ટકા કરી આજે મહિલાઓને સન્માન વધાર્યુ છે.
આજરોજ જાગીરી પ્રાથમિક શાળાના રૂા. ૬૩ લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વંચિત ન રહે તે માટેની વ્યવસ્થા કરી છે જેમાં આજે સ્કૂલોમાં સ્માર્ટ કલાસના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીયુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડિજિટલ વિભાજનને દૂર કરવા અને બદલાતી જતી ટેક્નોલોજી વિશે ભાવિ પેઢીમાં જાગૃતિ લાવવાની વધતી જતી જરૂરિયાતને અનુલક્ષીને ICTના સંકલિત ડિલિવરી મિકેનિઝમના વિવિધ પાસાઓમાં ફેરફાર કરવાની માંગ ઉભી થઈ છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, SSA-ગુજરાત દ્વારા અમલી કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ (CAL) ની સંકલ્પનાને ક્લાસરૂમ ઇન્ટરેક્ટિવિટીમાં રૂપાંતરિત કરે છે, જેથી વર્ગખંડોની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ઇન્ટરેક્ટિવિટી પ્રાપ્ત થાય અને શાળાના ડિજીટલાઇઝેશન દ્વારા અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન સુદ્રઢ બને છે.
શિક્ષક-વિદ્યાર્થીઓની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીનો વધારો કરવો, ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવા માટે અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવામાં આવે છે.
રાજય સરકાર દ્વારા ફ્રી શીપ યોજના અંતર્ગત ઓનલાઇન સીસ્ટમ મુજબ વિદ્યાર્થીઓને તેમના મેરીટ મુજબ એડમિશન આપવામાં આવી રહયા છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાને ચાલુ વર્ષમાં ધો. ૯ ની મંજૂરી આપી છે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે આદિવાસીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે જેથી આદિવાસીઓ આજે શિક્ષિત થઇ રહ્યા છે. રાજય સરકાર વિદ્યાર્થીઓ માટે સુવિધાયુકત વર્ગખંડો બનાવી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી કેતનભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ર્ડો. રાજશ્રી ટંડેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. બી. વસાવા, શાળાના આર્ચાયશ્રી ભૂપેન્દ્રભાઇ મહાકાલ, ગામના સરપંચ શ્રીમતી ચિન્તીબેન ભોયા, શાળાના શિક્ષકગણ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.