મંત્રીશ્રી કુબેર ડીંડોરે શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ ધરમપુર ખાતે રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું: આવનારી પેઢીને સારા ભવિષ્ય માટે પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહી છે – મંત્રીશ્રી

ગુજરાત એલર્ટ | વલસાડ
આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરીના શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત રાજ્ય કક્ષાનું 52મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ દરેક કૃતિઓનું કૃતિદર્શન કરતી પુસ્તિકાનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં સૌપ્રથમવાર રાજ્યકક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનના આયોજન માટે જીસીઈઆરટી,વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા તાલીમ વિભાગને શુભેચ્છાઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા, લોકોમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણીય શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય તે હેતુથી આ પ્રદર્શનો યોજવામાં આવે છે.

જ્યારે અમે ભણતા હતા ત્યારે આવું પ્લેટફોર્મ મળ્યું ન હતું પરંતુ આવનારી પેઢીને સારા ભવિષ્યનું પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહી છે. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમના મુખ્ય વિષયો જેવા કે, ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક મોડેલ અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરા વ્યવસ્થાપન અને સંશોધન વ્યવસ્થાપનની બાબતો સાથે આગળ વધવાનું છે.

કાર્યક્રમમાં સાકુરા એજ્યુકેશન એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત જાપાન ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી પામેલા વલસાડ જિલ્લાના ત્રણ વિધાર્થીઓનું અને કૃતિ પ્રદર્શન કરનાર વિધાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જીવનમાં સાયન્સ અને ટેકનોલોજીનું મહત્વ સમજાવતા પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોટ, જીસીઈઆરટીના ડાયરેક્ટર પ્રકાશભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજશ્રી ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી. પી. વસાવા, કમિશનરશ્રી શાળાઓની કચેરીના નાયબ નિયામક જયેશ પટેલ, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!