ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને ટેક હોમ રાશનના ઉપયોગને પ્રોત્સાહન આપવા અનુસંધાને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી(આઇસીડીએસ) દ્વારા જીલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્પર્ધામાં કલેક્ટરશ્રી નૈમેષ દવેએ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો અનેસ્પર્ધામાં ભાગ લેવા અને પૌષ્ટિક વાનગી નિદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.
જીલ્લા કક્ષાના ટેક હોમ રાશન અને “શ્રી અન્ન”(મિલેટ્સ) સ્પર્ધામાં અત્રેના વલસાડ જીલ્લાના ૧૫ ઘટકના ઘટક કક્ષાએ વાનગી સ્પર્ધામાં ૯૦ આંગણવાડી ભાગ લીધો હતો. જે પૈકી ટેક હોમ રાશનની વાનગી સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે – પારડી-૧ ઘટકના મેથી પાલકના થેપલા, દ્વિતીય ક્રમે – વલસાડ-૩ ઘટકના કબાબ, તૃતિય ક્રમે – ઉમરગામ-૧ ઘટકના માતૃશક્તિમાંથી સરગવાની ભાજીની પેટીસ બનાવનાર આંગણવાડી કાર્યકરો વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
“શ્રી અન્ન”(મિલેટ્સ)ની વાનગી સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે – પારડી-૨ ઘટકનો હાંડવો, દ્વિતીય ક્રમે – વાપી-૨ ઘટકના કોદરી જુવાર અને સરગવાના ફૂલના ઢોકળા, તૃતિય ક્રમે વાપી-૧ ઘટકના નાગલી, જુવારના પનેલા બનાવનાર આંગણવાડી કાર્યકરો વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રોગ્રામ ઓફિસર શ્વેતા દેસાઈ દ્વારા પ્રોત્સાહિત સંબોધન દ્વારા ટીએચઆર અને મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખવા અને પોતાના અને આંગણવાડીના લાભાર્થીઓ સુધી ઉપયોગમાં લેવામાં આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. સ્પર્ધક બહેનોને પ્રોત્સાહક ઇનામ તેમજ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. બિનીતા પટેલ (ડાયેટિશિયન), હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર હેતલબેન પટેલ, એન.આર.સી. ન્યુટ્રીશન આસિસ્ટન્ટ સુષ્મા પટેલ, આરોગ્ય શાખાના પી.એ. ન્યુટ્રીશન સ્નેહલ બાર્ગજે, મેડીકલ ઓફિસર (આયુષ) ડૉ. દિવ્યા સોલંકી અને જીલ્લા આર.સી.એચ અધિકારીશ્રી એ. કે. સિંગ દ્વારા નિર્ણાયક તરીકે સેવા આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં જિલ્લા કો-ઓર્ડીનેટર(NNM),વલસાડ દર્શાલીબેન પટેલે કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો, અધિકારીઓ, કર્મચારીઓ અને મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન પ્રોગ્રામ ઓફિસર, આઇસીડીએસ, વલસાડ શ્વેતા દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.