ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ઈ-વિતરણનો કાર્યક્રમ વાપીના કોપરલી ગામમાં મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ પ્રોગામ નિહાળવામાં આવ્યો હતો.
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છમાં વર્ષ ૨૦૦૧માં ભૂકંપ બાદ મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી અનેકવિધ સુધારા કરી આપણા સૌનું જીવન બહેતર બનાવ્યું છે. ત્યારે ગામડામાં લોકોએ કહ્યું કે, અમને સાંજે જમતી વેળા વીજળી આપો અને નરેન્દ્રભાઈ એ ૨૪ કલાક વીજળી આખા ગુજરાતના ગામડામાં આપી છે અને આજે પણ સાતત્યપૂર્ણ વીજળી મળી રહી છે. આવા અનેક પ્રયત્નોથી સમગ્ર દેશે તેમને વડાપ્રધાન બનાવ્યા હતા. પહેલા ગરીબ લોકો બેંકમાં જઇ શકતા ન હતા, બેન્કનો લાભ લઇ શકતા ન હતા. જેથી બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓ ગામે ગામ લોકોના ઘરે જઈ જન ધન ખાતા ખોલાવ્યા હતા.
સ્વચ્છતા અભિયાન અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, લાલ કિલ્લા પરથી યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન માટે દરેક ઘરે ટોયલેટ હોવુ જોઈએ એવી જાહેરાત કરી સ્વચ્છ ભારતની ભેટ ગાંધીજીને આપવાનું સ્વપ્ન સેવ્યું હતું અને સમગ્ર ભારતે સ્વચ્છ ભારતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. આવા અનેક કામો મોદીજી કરી રહ્યા છે ત્યારે ગામડામાં ગામતળની જગ્યામાં ઘરની માલિકીના પ્રશ્નો જેવા કે, માલિકી હક, ઘરવેરો અને વારસાઈ સહિતના પ્રશ્નોનો નિકાલ કરવા સ્વામીત્વ યોજના અમલમાં મૂકી છે. સ્વામિત્વ નામ જ બતાવે છે કે, સ્વામિત્વ એટલે માલિકી. વધુમાં મંત્રીશ્રીએ સમગ્ર ભારતને વર્ષ ૨૦૨૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નમાં આપણે સૌ સહભાગી બનીએ એવુ આહવાન કર્યું હતું.
લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલે સ્વામીત્વ યોજનાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, સ્વામિત્વ(SVAMITVA) યોજનાનો મુખ્ય હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે છે. આજના ડીજિટલ યુગના સમયમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને માલિકી હક્ક દર્શાવતુ એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે. મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે.
આ સાથે જ મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો પણ ઘટશે. વલસાડ જિલ્લામાં સ્વામીત્વ યોજના હેઠળ ૨૮૮ ગામ આવરી લેવામાં આવ્યા છે. આજે વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ૫૦ હજાર ગામોમાં ૬૫ લાખ ઇ- પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારત અભિયાન અને સ્વચ્છતા અભિયાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી ૧૦ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થળ ઉપર જ કોપરલી ગામના કુલ ૬૯ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ મનોજભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, વાપી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ડી.એલ.આર.શ્રી આસ્થા સોલંકીએ કર્યું હતું.