ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ મુરદડ સ્થિત સાવિત્રીબાઇ ફૂલે છાત્રાલયમાં રહેલા અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે ગ્રૂપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડ્સના સભ્યો દ્વારા ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સેવાકાર્ય અને પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યમાં સહભાગી બનેલા ટીમના સભ્યો બાળકો માટે ખાસ નાની વયથી જ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારની સામગ્રી લઇને પહોંચ્યા હતા. તેમાં બુટ, મોજાં, ગરમ ટોપી, સ્કાર્ફ જેવી ઠંડીથી રક્ષા કરવાની જરૂરી ચીજો સહિત રમતગમતના સાધનો, છોકરીઓ માટે શિંગારનો સમાન, અને બાળકોના મનગમતા ચોકલેટ અને બિસ્કીટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકોએ પતંગ ઉડાવવા માટે ગ્રૂપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડ્સ દ્વારા પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું. ટીમના સભ્યો પોતે પણ બાળકોથી સાથે પતંગ ઉડાવવાની રમતમાં જોડાયા હતા. આ શુભ અવસરે, ટીમે બાળકો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરી હતી. પૂરી, શાક, શ્રીખંડ, દાળ, ભાત અને લાડુ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. બાળકોને જીવન ઉપયોગી જરૂરી ચીજવસ્તુઓ મળતા જ બાળકોના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા.
સાવિત્રીબાઇ ફૂલે છાત્રાલયના સંચાલકોએ આ કાર્યક્રમ માટે ગ્રૂપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડ્સની સમગ્ર ટીમના પ્રતિ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “આ બાળકો માટે મળતી સહાય માત્ર સામગ્રી પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તે બાળકોને પ્રેમ, સહકાર અને ભવિષ્ય માટે પ્રોત્સાહનની ભેટ છે.”
ગ્રૂપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડ્સની ટીમે આ પ્રકારની સેવાકાર્ય પ્રત્યેની નક્કીતા વ્યક્ત કરી અને વચન આપ્યું કે તે આમંત્રણ મળે ત્યારે આવનારા દિવસોમાં વધુ સહાય અને કાર્યક્રમો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનશે, તેમ જણાવ્યું હતું.