ધરમપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે શ્રીમદ્ રાજચંદ્રની વિરાટ પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરાયો: પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલા મૂક યજ્ઞની મંત્રીશ્રીએ પ્રશંસા કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
જેમના તત્વબોધ થકી અનેક પેઢીઓને આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહ્યું છે, એવા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના સન્માન અર્થે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લઈ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના મહામસ્તકાભિષેકના પાવન અનુષ્ઠાનમાં ગુરુદેવ રાકેશજી સાથે જોડાયા હતા.

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે જે આત્મવિકાસના ઉચ્ચ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવા એક આધ્યાત્મિક અભયારણ્ય સમાન છે. મંત્રીશ્રી અમિતભાઈએ આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સુપ્રસિધ્ધ તીર્થમાં વિદ્યમાન અને ભવિષ્યની પેઢીઓ માટે ધર્મના સનાતન સિદ્ધાંતોની ધજા ફરકાવતા શ્રી ધરમપુર તીર્થ જિનમંદિરમાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, વલસાડના સાંસદશ્રી ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મંત્રીશ્રી અમિતભાઈએ કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતી વખતે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે.

હિમાલયની કંદરાઓમાં જઈ આત્માનો અનુભવ ઘણા યોગીઓ પ્રાપ્ત કરી શકે છે, પણ શ્રીમદ્જીએ સમાજની વચ્ચે રહી લોકો માટે મોક્ષનો માર્ગ કંડાર્યો એ સંસાર પર તેમનો ખૂબ મોટો ઉપકાર છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે. આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મંત્રીશ્રી અમિતભાઈએ શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે. અહીં મલ્ટી-સેન્સરી વોકથ્રુ, 4-ડી ડિજિટલ એક્સપિરિયન્સ જેવી શૈક્ષણિક અને મનોરંજક સુવિધાઓ દ્વારા પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે મનુષ્યના ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે. ગુરૂદેવશ્રી રાકેશજીએ આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતાના આ ઐતિહાસિક મિલનએ હાજર રહેલા હજારો સાધકોના હૃદયમાં એક ઊંડી છાપ છોડી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!