રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં કચ્છી જૈન સમાજના ટ્રેડ ફેરનું ઉદઘાટન કરાયુ: ભૂકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની સંસ્કૃતિ, કુટિર ઉદ્યોગ અને કલાનું સંવર્ધન કર્યુઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વાપીના કચ્છી જૈન સમાજ દ્વારા જીઆઈડીસીમાં સ્થિત રોફેલ કોલેજના મેદાન પર તા.૩, ૪ અને ૫ જાન્યુ. સુધી યોજાનાર ટ્રેડ ફેરનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેડ ફેરમાં વલસાડ-વાપી, મુંબઈ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના કુલ ૧૪૨ સ્ટોલધારકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. જેમાં ગૃહ ઉદ્યોગ ચલાવનાર સૌથી વધુ મહિલા વિક્રેતાઓ છે, તેઓને આ પ્લેટફોર્મ દ્વારા પોતાની પ્રોડક્ટના વ્યાજબી દરે વેચાણ માટે માર્કેટ મળી રહેશે.

ટ્રેડ ફેરના ઉદઘાટન સમારોહ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આઝાદીની લડતમાં કચ્છી સમાજનું બહુમૂલ્ય યોગદાન છે. સમાજના આ વિરલાઓને આજે યાદ કરવા જરૂરી છે. પહેલા એવુ કહેવાતું હતું કે, કોઈ અધિકારી – કર્મચારી બરાબર કામ ન કરે તો તેની કચ્છમાં બદલી કરી દેવાતી પરંતુ આજે કચ્છ એવુ ડેસ્ટિનેશન બન્યું છે કે, ત્યાં જવુ આજે લોકોને ગમે છે. જેનો શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. વર્ષ ૨૦૦૧ના ભયાનક ભૂંકપ પછી કચ્છના નવનિર્માણ માટે મોદીજીએ ભગીરથ પ્રયાસ કરી અનેકવિધ આયોજન કર્યા હતા. ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ, કુટિર ઉદ્યોગ અને કલાનું સંવર્ધન કર્યુ છે. આજે કચ્છ ખેતીવાડી અને ઊર્જા ક્ષેત્રે પણ નંબર વન બનવા જઈ રહ્યુ છે. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચતા ખેતીની આવક ઉભી થઈ છે. મહેનતુ કચ્છી સમાજ અભિનંદનને પાત્ર છે. વાપીમાં હોસ્પિટલ, સ્કૂલ- કોલેજના વિકાસ માટે પણ આ સમાજ અગ્રેસર છે. આ સમાજ વાપીની ધરતી પર સમરસ સમાજ બનાવી રહ્યો છે. અહીં આયોજિત ટ્રેડ ફેરમાં અનેકવિધ ઉત્પાદનો દ્વારા વેપારીઓ અને ગ્રાહકોને સુંદર બજાર મળી રહેશે. મંત્રીશ્રીનું કચ્છી પરંપરા મુજબ સમાજના આગેવાનોએ કુમકુમ તિલક કરી બહુમાન કર્યુ હતું. આ અવસરે મંત્રીશ્રીએ વાપી અને કચ્છી સમાજના વિકાસ માટે અમૂલ્ય યોગદાન આપનાર સ્વર્ગીય એન.વી.ઉકાણીને પણ યાદ કર્યા હતા.

ટ્રેડ ફેરમાં ભાગ લેનાર વેપારીઓને શુભેચ્છાઓ પાઠવતા મુખ્ય સ્પોન્સર તરલાબેન છેડાએ જણાવ્યું કે, ત્રીજી વખત આયોજિત આ ટ્રેડ ફેરમાં સહકાર માટે વાપી કચ્છી જૈન સમાજનો આભાર માનું છું. સ્પર્ધાથી ડરવાની જરૂર નથી પરંતુ ક્વોલિટી સુધરશે. કોમ્યુનિકેશન સ્કિલ અપગ્રેડ થશે. પ્રોડક્ટના ભાવ વિશે ધ્યાન રાખશો તો ધંધો ફુલશે ફાલશે. અતિથિ વિશેષ રાજેશભાઈ છેડાએ સમાજને સંપૂર્ણ સહકાર આપવા બદલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો. ટ્રેડ ફેરના પ્રોજેકટ ચેરમેન મહેન્દ્રભાઈ છેડાએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ટ્રેડ ફેરના સફળ આયોજનમાં યોગદાન આપનાર તમામ સ્પોન્સરનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ડિપલ સાવલાએ કર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ, ઉદ્યોગપતિ એલ.એન.ગર્ગ, એ.કે.શાહ, વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, વીઆઈએના માજી પ્રમુખ યોગેશ કાબરીયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!