ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જીલ્લાની પ્રાચીન પ્રતિષ્ઠિત અને વર્ષ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક સંસ્થાના ૬૦ વર્ષના ગૌરવ પ્રસંગે સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૫ને “ડાયમન્ડ જ્યુબીલી વર્ષ” તરીકે ઉજવાઇ રહ્યો છે. જે અતર્ગત હાર્ટ્ફુલનેસ વલસાડના સહયોગથી સંસ્થાના સર્વે સ્ટાફને ધ્યાન ધરવા અંગે પધ્ધતિસરની કેળવણી મળે અને ધ્યાન થકી અંગત અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક્તા આવે તે હેતુથી તા.૧ થી ૩ જાન્યુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર શિબિરમાં તજજ્ઞ પ્રકાશ પટેલ, પ્રદીપભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા પ્રેરક માનદ સેવાઓ આપવામાં આવી હતી. જેને આવકાર આપતા આચાર્યા પ્રો.રીંકુ શુક્લા દ્વારા “ધ્યાન” ની ઉપયોગીતા અને પ્રાસંગિકતા અંગે જણકારી આપતાં સંસ્થાના સર્વે સ્ટાફ્ને સદર શિબિરનો લાભ લેવા આહવાન કર્યુ હતું. જેના પ્રતિસાદ મુજબ ૧૦૦ જેટલા સ્ટાફના સભ્યોએ શિબિરનો લાભ લીધો હતો.
વર્ષ ૨૦૨૫ને “ડાયમન્ડ જ્યુબીલી વર્ષ” માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમની રૂપરેખા ઘડી અને તે સબબની ઉજવણી માટે સંસ્થાના કેમીકલ ખાતાના વડા ડૉ. અમિત ધનેશ્વરના કન્વીનર બનાવી એક એમ્પાવર્ડ સમિતિ પણ જાહેર કરવામાં આવી હતી.
સમગ્ર ધ્યાન શિબિરનું સંકલન, સંચાલન અને વ્યવસ્થાઓના સફળ આયોજન માટે મિકેનીકલ વિભાગના પ્રો. કિન્નરી દમણીયા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.