ગુજરાત એલર્ટ | વલસાડ
આજના સુશાસન દિવસે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત રાજયના છ ઝોન ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત ઝોનના વાપી નગરપાલિકાના ચલા ઝોનના સિવિક સેન્ટરની સાથોસાથ ૩૪ જેટલા સિવિક સેન્ટરોનું ઇ- લોકાર્પણ કર્યુ હતું.
દેશના માજી વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપેઇના લોકકલ્યાણના વિચારોને અમલમાં મૂકી તેમની જન્મજયંતિ તા. ૨૫ મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વાપી નગરપાલિકાના ચલા ઝોન ખાતે સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે સિવિક સેન્ટર ખુલ્લું મૂકતાં જણાવ્યું હતું.
આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી કનુભાઇએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યા પછી ગુજરાતના વિકાસ માટે અનેક યોજના બનાવી જેમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, વનબંધુ અને સાગરખેડૂ માટેની યોજના હોય, આ બધી યોજના જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો થાય તે માટે અમલીકરણ કરવામાં આવી. દેશના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઇ મોદીએ લોકોના બેંકના ખાતા જનધન યોજનામાં ખોલાવીને લોકોને ડી. બી.. ટી. ના માધ્યમથી તેમના લાભો અપાવી વચેટિયાઓ નાબૂદ કર્યા, સરકાર જયારે બજેટ બનાવે ત્યારે સરકાર દરેક વર્ગના લોકોની યોજનાઓનું અમલીકરણ કરે છે.
આજના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજયના લોકોને સેવાનો સો ટકા લાભ મળે એ માટે સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ સિવિક સેન્ટર ખાતે લોકોને એક જ જગ્યાએથી તમામ યોજનાઓની જાણકારી અને લાભ મળી રહે તે માટે ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજયના માહિતી વિભાગ અને એન. આઇ. સી. દ્વારા બનાવાયેલા આજથી મારી યોજના પોર્ટલને ખૂલ્લું મૂકયું છે જેમાં કેન્દ્ર અને રાજય સરકારની ૬૮૦ થી વધુ યોજનાઓની માહિતી ઉપલબ્ધ થશે. આ પોર્ટલની મદદથી રાજયના નાગરિકો વિવધિ યોજનાઓથી માહિતગાર થશે અને યોજનાઓનો લાભ પારદર્શક અને સરળતાથી મેળવી શકશે.
જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં રાજય સરકાર દ્વારા આજથી શરૂ થયેલા સિવિક સેન્ટરની જાણકારી આપી આ વિસ્તારના લોકોને આ સેન્ટરનો લાભ લેવા જણાવ્યું હતું. આ સુશાસન દિવસની ઉજવણી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧ થી શરૂ કરી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે સુશાસન સપ્તાહની શરૂઆત કરી છે.લોકોની મુશ્કેલીઓ ઓછામાં ઓછી થાય અને જલદીથી જલદી હલ થાય તે સુશાસનનો ઉદે્શ છે.
આ સિવિક સેન્ટરમાં વાપીના નગરજનોને મિલકત વેરાની ચૂકવણી, મિલકત વેરાની આકારણી, મિલકત વેરાની રસીદ, વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી પ્રમાણપત્ર, જન્મ/મરણ નોંધણી પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, ફરિયાદ નોંધણી , બાંધકામની રજા ચિઠ્ઠી, ફાયર એન. ઓ. સી. વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વાપીના ચીફ ઓફિસર કોમલબેન ધીનૈયા અને આભારવિધી વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મનોજભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા વાપીના પ્રમુખશ્રી પંકજભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઇ, પારડીના પ્રાંત અધિકારીશ્રી નિરવ પટેલ, વાપી શહેર મામલતદાર શ્રીમતી કલ્પનાબેન પટેલ, ગ્રામ્ય મામલતદારશ્રી નવીનભાઇ ચૌરા તેમજ વાપી નગરપાલિકાના અધિકારી અને કમર્ચારીઓ તથા વાપીના નગરજનો હાજર રહ્યા હતા.