ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે કોઈ પણ વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, ડાન્સર કે ફોટોગ્રાફર બને તે પહેલા સારો માણસ બને તે ખૂબ જરૂરી છે અને સરસ્વતિ ઇન્ટરનેશનલ સ્કૂલ એ ફરજ ખૂબ સારી રીતે નિભાવી રહી હોવાનું જણાવી શાળાને અભિનંદન આપ્યા હતા.
વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે નર્સરીથી બાળક સ્કૂલમાં દાખલ થાય છે ત્યારથી ધોરણ 12 સુધી ભણે છે. સૌથી વધુ સમય એનો શાળામાં પસાર થાય છે. આ સમય દરમિયાન શાળામાં જે સંસ્કાર મળે છે તેના પરથી એનું ડેવલપમેન્ટ થાય છે. એ સંસ્કાર જ વિદ્યાર્થીને આગળ લઈ જાય છે. કોઈ પણ વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, ડાન્સર કે ફોટોગ્રાફર બને તે પહેલા સારો માણસ બને તે ખૂબ જરૂરી છે અને હું જાણું છું કે સરસ્વતિ ઇન્ટરનેશનલ સ્કૂલ એ ફરજ ખૂબ સારી રીતે નિભાવી રહી છે. આ શાળાને અભિનંદન એટલા માટે આપું છું કે તેઓ શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રહ્યા છે.
આખું વિશ્વ એક ગામડું છે. એ મુજબ ગ્લોબલ વિલેજનો મેસેજ આપી ભારત સહિત વિશ્વના અનેક દેશોના કલ્ચર દર્શાવતી નાના ભૂલકાઓએ રજૂ કરેલી કૃતિના તેમણે ભરપેટ વખાણ કર્યા હતા. ટીમભાવના અને લીડરશીપ શીખવા માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી હોવાનું ડીએસપીએ જણાવ્યું હતું.
ખાસ લંડનથી આવેલા શિક્ષણશાસ્ત્રી અને એસ્ટ્રોફિઝિસિસ્ટ પ્રો. રાજેશ દુબેએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે માં સરસ્વતીની સ્પેલિંગને આલ્ફાબેટ પ્રમાણે જોવામાં આવે તો તેનો સરવાળો 111 થાય છે. આ 3 એકડા એ એજ્યુકેશન સિસ્ટમના 3 પિલર છે. જેમાં પહેલો પીલર શિક્ષકો, બીજો પીલર વાલીઓ અને ત્રીજો પીલર વિદ્યાર્થીઓ છે. આ આખી સિસ્ટમ એના પર ટકેલી છે. વિદ્યાર્થીઓએ એ હંમેશા મગજમાં રાખવું કે જીવનમાં શિક્ષક અને માતા પિતાથી મહાન બીજું કોઈ જ નથી.
શાળાનાં ભૂલકાઓ સહિત તમામ વિધાર્થીઓએ એકથી એક ચઢિયાતી કૃતિ રજૂ કરી સૌને તાળીઓ વગાડવા મજબૂર કરી દીધા હતા. ખાસ કરીને ગરબા અને રામાયણની કૃતિને ઉપસ્થિતોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી વાહવાહી કરી હતી.
આ પ્રસંગે આઇપીએસ અંકિતા મિશ્રા, અધિક કલેકટર અનસૂયા જહા, નાયબ કલેક્ટર શાહ, ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા, અગ્રણી ગૌરવભાઈ પંડ્યા, એડવોકેટ ઐયાઝ શેખ, બિલ્ડર ગિરીશભાઈ સોલંકી, નિલેશભાઈ વાચ્છાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાનાં આચાર્ય સુરેખા સૈનીએ શાળાનો એન્યુઅલ કાર્ડ રજૂ કરી સ્કૂલની પ્રવૃતિઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે શાળાનાં ટ્રસ્ટી ગિરીશભાઈ પંડ્યા વતી ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીનો ખૂબ આભાર માન્યો હતો.
શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ટોપ ફાઈવ આવેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનવામા આવ્યા હતા. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અનુક્રમે વ્યોમ દેસાઈ, દિયા ભાનુશાલી, હર્ષ ચોકસી, જીલ પટેલ અને ઓમ જાની જ્યારે 12 કોમર્સમાં અનુક્રમે શ્રિષ્ટિ કુમારી, પ્રિયાંશ માલી, લય ત્રિવેદી, કૃતિ સીતાપરા અને દિશા યાદવને શાળા દ્વારા કેશ પ્રાઈઝ આપી સન્માનવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પુષ્પેન્દ્ર શાહ અને યુગ વાચ્છાણીને નૅશનલ કક્ષાએ સાયન્સ પ્રોજેક્ટ સિલેક્ટ થવા બદલ જયારે સ્કેટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ રૂચિ ભાનુશાલીને એપ્રેસીએશન એવોર્ડ આપવામાં આવ્યો હતો.