વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં ૧૨૦૧૦ કેસોમાં રૂ. ૨૯,૬૬,૪૧,૪૬૫ નું સમાધાન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૨૦૧૦ કેસોમાં રૂ. ૨૯,૬૬,૪૧,૪૬૫નું સમાધાન થયુ હતું.

આ અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ-૮૯૧ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા તથા સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કેસો કુલ-૭૮૭૧ કેસો મુકવામાં આવ્યા હતા તેમજ બેન્ક-ફાયનાન્સ કંપનીનાં‌ વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ- ૧૪૮૫૪ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા.

જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો કુલ- ૩૪૩ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ- ૫૮૩૮ અને પ્રિ-લીટીગેશનનાં કુલ-૫૮૨૯ મળી કુલ-૧૨૦૧૦ કેસો નિકાલ કરવામાં આવ્યા હતા અને આ કેસોમાં કુલ રૂ. ૨૯,૬૬,૪૧,૪૬૫ નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!