ગુજરાત એલર્ટ | વલસાડ
સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા સાઇકલીંગ ટ્યુઝડેની ઉજવણી સાથે વલસાડમાં પણ ત્રયમ ફાઇન્ડેશન દ્વારા 10 કિમીની સાઇકલ રાઇડનું આયોજન કરાયું હતુ. ડિસેમ્બરની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાઇકલ રાઇડમાં વલસાડ શહેરના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા.
તેમણે વલસાડમાં 10 કિમીની સાઇકલ રાઇડ કરી અન્ય લોકોને પણ સાઇકલીંગ કરવા પ્રેરણા આપી હતી. વલસાડના લોકો શિયાળાના દિવસોમાં રેગ્યુલર સાયકલિંગ કરવા તરફ વળે અને તંદુરસ્ત બને તે માટે ખાસ સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટની જાહેરાત સોમવારે કરાઇ હતી અને તેની જાહેરાત સાથે માત્ર એક દિવસમાં 39 લોકોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ અને તેઓ આ સાઇકલ રાઇડમાં જોડાયા હતા. જ્યારે ત્રયમ ફાઇન્ડેશનના સ્થાપક સભ્ય વલસાડના ડેન્ટીસ્ટ ડો. ભૈરવીબેન જોષીએ દિલ્હી ખાતે કેન્દ્રના લેબર અને એમ્પલોયમેન્ટ મિનિસ્ટર મનસુખભાઇ માંડવીયાની મુખ્ય ઇવેન્ટમાં સાઇકલીંગ કર્યું હતુ. જ્યારે તેમની સંસ્થા દ્વારા યોજાયેલી ઇવેન્ટમાં વલસાડના અનેક સાઇકલીસ્ટો જોડાયા હતા. જેમાં નાના બાળકોથી લઇ વડીલો અને મહિલાઓ પણ સહભાગી થઇ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં ત્રયમ ફાઉન્ડેશનના ખુશ્બુ વૈદ્ય, વિભા દેસાઇએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સાઇકલ રાઇડના આયોજનમાં વલસાડ રેસર્સના સભ્યો નિતેશ પટેલ અને પ્રિતેશ પટેલ પણ સહભાગી થયા હતા.