ગુજરાત એલર્ટ | વલસાડ
જો તમે ખેડૂત છો અને તમારે ઓછા ખર્ચે, ઓછી મહેનતે લાંબા ગાળા સુધી આવક મેળવવી છે તો પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી સરગવાની ખેતી તમારા માટે ઉત્તમ ગણાશે. આ ખેતીનો પાક એવો છે કે તેની સિંગમાંથી તો આવક મળે જ છે પરંતુ તેના પાંદડા અને ફૂલમાંથી ઉપયોગી દવા બનતી હોવાથી ખૂબ જ સારી એવી આવક આપે છે. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો પર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાલવેરી ગામના જામલી ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત કાશીરામ રામજીભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં સરગવાના ૩૫૦ ઝાડની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.
ખેડૂત કાશીરામ ચૌધરી પણ અન્ય ખેડૂતોની જેમ પહેલા પરંપરાગત પધ્ધતિથી રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ ગુજરાતના રાજયપાલ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની જ્યોત પ્રજવલિત કરી ખેડૂતો ‘‘ઝેરયુક્ત રાસાયણિક ખેતી’’ છોડી મનુષ્ય અને જમીનના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાતી ‘‘ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી’’ કરે તે માટે ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ, કિસાન ગોષ્ઠી અને જિલ્લા તથા રાજ્ય બહાર ખેડૂતોને મોડલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત માટે પ્રવાસની પ્રવૃત્તિઓ મિશન મોડમાં ઉપાડી હતી. બીજી તરફ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક ભારણ ન પડે તે માટે દેશી ગાય સહાય યોજના, બીજામૃત- જીવા મૃત બનાવા માટે સહાયની યોજના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી હતી. જેને પગલે કપરાડાના વાલવેરી ગામના ખેડૂત કાશીરામભાઈ ચૌધરી પણ પ્રાકૃતિક ખેતી તરફ દોરાયા હતા. માત્ર કાશીરામભાઈ જ નહી પરંતુ તેમના જેવા અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે.
વર્ષમાં બે વાર સરગવાની સિંગનો પાક લઈ શકાય છેઃ ખેડૂત કાશીરામ ચૌધરી
ખેડૂત કાશીરામભાઈ કહે છે કે, પહેલા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી ન હતી જેથી રાસાયણિક ખેતી કરતા હતા. એક દિવસ ધરમપુરના બરૂમાળમાં પ્રાકૃતિક ખેતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખેતીથી થતા નુકશાન અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ નવસારીના દાંડી, અડાલજ, ઉત્તરાખંડ અને હરિયાણામાં રાજ્યપાલશ્રીના ફાર્મની પણ મુલાકાત લીધી હતી. જેમાં જીવામૃત અને બીજામૃત કેવી રીતે બનાવવુ તેની તાલીમ મળી હતી. જેથી રાસાયણિક ખેતી છોડી શરૂઆતમાં ૧૫ ગુંઠા જમીન પર સરગવાની પ્રાકૃતિક ખેતીની શરૂઆત ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ સાથે કરી હતી. જેમાં સાથે પપૈયાની પણ ખેતી કરી છે. પપૈયાના પાંદડા અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવવા માટે ઉપયોગી છે. ચુસિયા જીવાત અને ઈયળના નિકંદન માટે નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર અને દશપર્ણી અર્ક ઉપયોગી છે. વર્ષમાં બે વાર સિંગનો પાક લઈ શકાય છે. ચોમાસા પહેલા સિંગના ૩૫૦ છોડ રોપ્યા હતા. હાલમાં ફલાવરિંગ છે, હવે મે –જૂનમાં પાક આવશે ત્યારબાદ નવે. ડિસે.માં ફરી પાક આવશે. કાશીરામભાઈ વધુમાં જણાવે છે કે, ભીલાડના ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટે સરગવાના ૩૫૦ છોડ વિનામૂલ્યે આપ્યા હતા. સરગવાની સિંગ લોકલમાં ૫૦ થી ૬૦ રૂપિયે કિલો અને નાનાપોંઢા માર્કેટમાં એક મણનો રૂ. ૧૨૦૦ ભાવ મળે છે. જ્યારે પપૈયાના ૨૦ કિલોના રૂ. ૩૦૦ થી ૪૦૦ નો ભાવ મળે છે. ઉડાન ટ્રસ્ટે કહ્યું છે કે, જો માર્કેટ વેલ્યુ મુજબ ભાવ ન મળે તો અમે એ જ ભાવે ખરીદી લઈશુ.
સરગવાના અઢળક ફાયદા, એક વાર રોપ્યા પછી ૨૫-૩૦ વર્ષ સુધી ચિંતા નહીઃ સંયોજક કિશન ધૂમ
આત્મા પ્રોજેક્ટના કપરાડા તાલુકાના સંયોજક કિશનભાઈ ધૂમે જણાવ્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી આત્મનિર્ભર બની રહ્યા છે. વાલવેરી ગામના ખેડૂતે પ્રાકૃતિક પધ્ધતિથી સરગવાની ખેતી કરી છે. સરગવાના છોડ એક વાર રોપ્યા પછી ૨૫-૩૦ વર્ષ સુધી ચિંતા નહી, બીજી ખેતી કરતા આ પાકની ખેતીમાં પાણીની ઓછી જરૂર પડે છે. સરગવાની સિંગ અને તેના પાંદડા તેમજ ફૂલ અનેક દવા અને ઔષધીમાં ખૂબ ઉપયોગી છે. જેમાંથી અનેક પોષક તત્વો અને લોહતત્વ મળે છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓનું સુગર કંટ્રોલમાં રહે છે. ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને સાથે તમે બીમાર પણ ઓછા પડો છો. સરગવો ખાવાના અઢળક ફાયદા છે. રોગપ્રતિકારક શક્તિ વધે, પથરી બહાર કાઢે, કોલેસ્ટેરોલ ઓછું કરે, બ્લડપ્રેશર સામાન્ય રાખે, પાચન સુધારે, દાંતને પોલાણથી બચાવે, પેટની સમસ્યામાં રાહત મળે, લિવરને સ્વસ્થ રાખે અને આંખનું તેજ પણ વધારે છે.