ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સંચાલિત રાજ્યકક્ષાની દ્વિતિય આરોહણ અવરોહણ સ્પર્ધા વલસાડ તાલુકાના પારનેરા ડુંગર ઉપર તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રવિવારે સવારે ૭ કલાકે યોજાનાર છે. જે અંતર્ગત સોમવારે વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને તૈયારી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધાના સ્થળે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને તૈનાત રહેવા જણાવ્યું હતું. ટ્રેક ક્લિયર રાખવા માટે ફોરેસ્ટરની ટીમ, વીજ પુરવઠા માટે ડીજીવીસીએલની ટીમ, સ્થળ ઉપર મોબાઈલ ટોયલેટ, કાર્યક્રમ સ્થળ અને ટ્રેક ઉપર સાફ સફાઈ અને પાણીની વ્યવસ્થા અંગે પ્રાંત અધિકારીશ્રીએ સૂચનો કર્યા હતા.
જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશીએ સ્પર્ધાની વિગત આપતા જણાવ્યું કે, તા. ૨૨ ડિસે.ને રવિવારે સવારે ૭ વાગ્યે સ્પર્ધા શરૂ થયા બાદ સવારે ૯ કલાકે મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવશે. સ્પર્ધકોએ આગલા દિવસે તા. ૨૧ ડિસેમ્બરને શનિવારે પારનેરા ડુંગરની તળેટી સ્પર્ધાના સ્થળે બપોરે ૩ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ સ્પર્ધામાં ૧૯ થી ૩૫ વયના અંદાજે ૩૦૦ જેટલા સ્પર્ધકો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લઈ રહ્યા છે.
આ બેઠકમાં વલસાડ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી, મામલતદાર પી.કે.મોહનાની, જિલ્લા રમત ગમત અધિકારી જી.જી.વળવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુન પટેલ, ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર એ.આર.વળવી, આરએફઓ આર.સી.ગાવિત, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. વી.કે.ફડદુ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.